વડોદરામાં એક બાજુ વડાપ્રધાનના આગમન પૂર્વે સ્વચ્છતા અભિયાન અને બીજી બાજુ આંતરિક માર્ગોની પરિસ્થિતિ નર્ક સમાન
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનના આગમન પૂર્વે પાંચ દિવસમાં તમામ 19 વોર્ડમાં સ્વચ્છતાના 19 કાર્યક્રમ હાથ ધરવા અને દિવસમાં બે વખત સફાઈ કરી શહેરને સ્વચ્છ રાખવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નેતાઓ અને અધિકારીઓ હાથમાં ઝાડુ પકડી દેખાડા પૂરતી સફાઈ કરી ફોટોસેશન કરવામાં વ્યસ્ત છે. જોકે સફાઈ ઝુંબેશ બાદ પરિસ્થિતિ જેસે થે ઊભી થઈ જાય છે.
વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા ભથ્થુએ કહ્યું છે કે વડાપ્રધાન આવવાના હોય, ત્યારે જ સફાઈ અભિયાન કરવામાં આવે છે તેનો અર્થ શું સમજવો ? હજુ ગયા અઠવાડિયે મુખ્યમંત્રી વડોદરા આવ્યા ત્યારે ટકોર કરી હતી કે પીએમ અને સીએમ આવે ત્યારે જ સફાઈ કરવાનું કેમ સૂઝે છે? વિપક્ષના નેતાએ કહ્યું હતું કે શાસકોએ શહેરની હાલત એવી કરી દીધી છે કે લોકો બેહાલ બની ગયા છે. કમર તોડ વેરો ભરતા લોકોની કોઈ કાળજી લેવાતી નથી. સ્વચ્છતા અભિયાનની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે સમગ્ર ગાજરાવાડી વિસ્તારની હાલત જુઓ. શહેરની ઝૂંપડપટ્ટીઓની સ્થિતિ જુઓ તો ખ્યાલ આવે કે શહેરમાં સ્વચ્છતા કેવી છે. સ્લોટર હાઉસની આસપાસની પરિસ્થિતિ નિહાળો તો ખ્યાલ આવે કે નર્કાગાર શું છે ? સુએજ પમ્પિંગ સ્ટેશનની આસપાસનો વિસ્તાર પણ ગંદકીથી ખદબદે છે. મુખ્ય માર્ગો પર સફાઈ કરવામાં આવે છે, જ્યારે આંતરિક રસ્તાઓ પર કોઈ ધ્યાન અપાતું નથી. શહેરના ઘણા વિસ્તારોમાં ગંદા પાણીનો પ્રશ્ન છે તે હલ કરવામાં આવતો નથી. સ્વચ્છતા અભિયાનના નામે ધુમાડો કરવામાં આવી રહ્યો છે. આજે યોગા સર્કલ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કોર્પોરેશન દ્વારા કર્યો ત્યારે એ જ રોડ પર એટલે કે યોગાસર્કલ થી અકોટા રોડ પર કચરાના ઢગલા જોવા મળ્યા હતા અને બીજી બાજુ સફાઈ અભિયાન ચાલતું હતું, એટલે કે માત્ર પ્રતિકાત્મક સફાઈ કામગીરીનો કોઈ અર્થ રહેતો નથી. મકરપુરા ડેપો સામે ગંદકીએ સફાઈ અભિયાનના ધજાગરા ઉડાડ્યા હતા.