Get The App

સીએમ કે પીએમ આવે ત્યારે જ સફાઈ થાય તેવું નથી જોઈતું, મુખ્યમંત્રીનો વડોદરાના તંત્રને ટોણો

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
સીએમ કે પીએમ આવે ત્યારે જ સફાઈ થાય તેવું નથી જોઈતું, મુખ્યમંત્રીનો વડોદરાના તંત્રને ટોણો 1 - image


CM Bhupendra Patel visits Vadodara : ‘વડોદરા તો સંસ્કાર નગરી છે અને એટલે જ સ્વચ્છતાને સ્વભાવ બનાવીને તેને સંસ્કારમાં ઉતારવો પડે. માત્ર સીએમ અને પીએમ આવે ત્યારે જ સફાઈ થાય તેવું ના હોવું જોઈએ. વડાપ્રધાને સફાઈ અભિયાન શરુ કર્યું છે ત્યારે આપણે બધાએ તેમાં જોડાવવું પડશે. સરકાર અને કૉર્પોરેશન તો આ કામ કરશે પણ વડોદરાના લોકોએ સાથે રહીને આ કામ કરવાનું છે.’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 19 ઑક્ટોબરે બરોડા મેનેજમેન્ટ ઍસોસિએશન દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ સિનર્જી નામના કાર્યક્રમમાં હળવી શૈલીમાં આવી ટકોર કરી હતી.  

વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના વહીવટી તંત્રના અધિકારીઓને અરીસો બતાવતું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. આ પહેલા પણ વડોદરાની એક મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘વડોદરા બીજા શહેરો કરતાં કેમ પાછળ રહી ગયું છે તેના કારણો તપાસવા જોઈએ.’ આ નિવેદન આજે પણ વડોદરાના રાજકીય વર્તુળોમાં છાશવારે ચર્ચાતું હોય છે ત્યારે તેમણે આજે કરેલી વાત પણ ઘણી સૂચક હતી. 

વડોદરા કૉર્પોરેશનના શાસકો જ્યારે પણ સીએમ કે પીએમ આવવાના હોય ત્યારે શહેરને કામચલાઉ સુંદર બનાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરે છે. તેમના રૂટ પરથી દબાણો હટાવી દેવાય છે, રસ્તા પરથી ગંદકી દૂર થઈ જાય છે અને ટ્રાફિક નિયમન પણ યોગ્ય રીતે થવા માંડે છે. એટલું જ નહીં, ક્યારેક તો બ્યુટિફિકેશનની કામગીરી પણ થઈ જાય છે. જો કે મુખ્યમંત્રી અને વડાપ્રધાનની મુલાકાત પૂરી થાય તે પછી પરિસ્થિતિ પહેલા જેવી જ થઈ જાય છે. આ બાબતથી મુખ્યમંત્રી પણ વાકેફ છે. જો કે તેનો ઉલ્લેખ તેમણે જાહેરમાં પહેલી વખત કર્યો છે.


Google NewsGoogle News