સુરત પાલિકાના ટીપી-સેન્ટ્રલ ટીડીઓ વિભાગના કર્મચારીઓને વિજીલન્સની તપાસમાં મળી ક્લીન ચીટ, નોટિસ દફતરે કરવાનો નિર્ણય
Surat Corporation : સુરત પાલિકામાં ચારેક મહિના પહેલા ટાઉન પ્લાનિંગ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ (સેન્ટ્રલ ટીડીઓ) વિભાગની કેટલીક ફાઈલમાં મ્યુનિ. કમિશ્નરે તપાસનો હુકમ કર્યો હતો. દરમિયાન ટીડીઓ અને ટીપી વિભાગના 9 કર્મચારી-અધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. મ્યુનિ. કમિશનરે આવી ફાઈલો વિજીલન્સ વિભાગને મોકલી તપાસ કરાવી હતી જોકે, વિજીલન્સ વિભાગની ઊંડાણપૂર્વક તપાસ બાદ પણ આ ફાઈલોમાં કોઈ ગેરરીતિ થઈ ન હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે શો કોઝ નોટિસ દફતરે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ચારેક મહિના પહેલાં સુરત પાલિકાના ટીપી અને સેન્ટ્રલ ટીડીઓ વિભાગમાં કેટલીક ફાઈલોના કારણે ભારે ઉહાપોહ થયો હતો. મ્યુનિ. કમિશનર સમક્ષ રજુ કરવામાં આવેલી ફાઈલ ચોક્કસ ફોર્મેટમાં રજૂ ન થઈ હોવાથી ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ હતી. મ્યુનિ. કમિશ્નરે શો કોઝ નોટિસ ફટકાર્યા બાદ ટાઉન પ્લાનિંગ અને શહેરી વિકાસ વિભાગના 9 ઈજનેર અને ટાઉન પ્લાનરને પણ શો કોઝ નોટિસ આપવામાં આવી હતી, આ ઉપરાંત આવી ફાઈલો વિજીલન્સ વિભાગને સોપી તપાસ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ નોટિસ અપાયા બાદ આ 9 પ્લાનર-ઈજનેરોની તપાસ રાજ્ય સરકારમાંથી ડેપ્યુટેશન પર આવેલા ડે.કમિશનર ડો.રાજેન્દ્ર પટેલને તપાસ સોંપવામાં આવી હતી. આ અંગે બે દિવસ પહેલાં હિયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ડેપ્યુટી કમિશનરે આ 9 કર્મચારી-અધિકારીઓને શો કોઝ નોટિસ આપી હતી તે દફતરે કરી દીધી છે.
આ શો કોઝ નોટિસ પાલિકાના ઈજનેર-ટાઉન પ્લાનર દ્વારા નિયત ફોર્મેટમાં ફાઈલમાં વિગતો રજુ ન કરવા બદલ આપી હતી. શહેરી વિકાસ વિભાગના વડા મનીષ ડોક્ટરને મ્યુનિ. કમિશ્નરે શો કોઝ નોટિસ આપી હતી. ત્યારબાદ તેઓએ ટાઉન પ્લાનીંગ-શહેરી વિકાસ વિભાગના કર્મચારીઓને શો કોઝ નોટિસ આપી હતી. જોકે, વિજીલન્સ તપાસમાં વિભાગના વડા મનીષ ડોક્ટર કે તેમના ઈજનેર અથવા કર્મચારીઓ દ્વારા કોઈ ગેરરીતિ કરવામાં આવી ન હોવાનું બહાર આવ્યું હતું.
આ સમગ્ર વિવાદ બાદ ટીડીઓ વિભાગની અનેક ફાઈલોને રેન્ડમલી વિજીલન્સ વિભાગમાં મૂકવામાં આવી હતી. પરંતુ વિજીલન્સ વિભાગ દ્વારા નિયમિત તપાસ કરાતા તેમાં કોઈ ગેરરીતિ થઈ ન હોવાનું બહાર આવ્યું હતું. આ તપાસ બાદ ટીડીઓ અને ટીપી વિભાગના કર્મચારીઓને ક્લીન ચીટ મળતાં તેમને મળેલી શો કોઝ નોટિસ દફતરે કરવામાં આવી છે.