Get The App

સુરતમાં ધો-10ની વિદ્યાર્થીની તરુણ પ્રેમી થકી ગર્ભવતી બની, બાથરૂમમાં જ થઈ કસુવાવડ

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
સુરતમાં ધો-10ની વિદ્યાર્થીની તરુણ પ્રેમી થકી ગર્ભવતી બની, બાથરૂમમાં જ થઈ કસુવાવડ 1 - image


Surat  News : સુરતથી સમાજને આંગળી ચીંધતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા ખાડી કિનારેથી અઠવાડિયા પહેલા મળી આવેલા મૃત નવજાતને ધો. 10માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીનીએ પોતાની ઉંમરના પ્રેમી સાથેના શારિરીક સંબંધ થકી ગર્ભ રહેતાં ગર્ભપાતની ગોળી પીધા બાદ ત્યજી દીધાની ચોંકાવનારી હકીકત પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે વિદ્યાર્થીનીના પ્રેમીને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાંડેસરા-કૈલાશ નગર ચોકડી સ્થિત અપેક્ષા નગર નજીક ખાડી કિનારેથી અઠવાડિયા અગાઉ મૃત નવજાત બાળક આવ્યું હતું. માથા અને શરીરના ભાગે ઈજાથી મૃત્યુ પામનાર નવજાતને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાની હાથ ધરેલી શોધખોળ અંતર્ગત પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે સ્થાનિક વિસ્તારમાં રહેતી અવની(નામ બદલ્યું છે)નું ગત દિવસોમાં પેટ મોટું હતું અને હાલમાં સામાન્ય છે. જેથી પોલીસે ડાઇંગ મીલમાં નોકરી કરતાં બિહારી પરિવારના ઘરે પહોંચી હતી. જ્યાં અવનીની પૂછપરછની સાથે નવી સિવિલ હૉસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જેમાં અવનીની નજીકના દિવસોમાં ડિલિવરી થઈ હોવાનું તબીબોએ જણાવ્યું હતું. 

આ પણ વાંચો : સુરતમાં રેસિંગનો શોખ ભારે પડ્યો, કાર પલટી ખાઇ જતાં 17 વર્ષની વિદ્યાર્થીનીનું મોત, 3ને ઇજા

ગર્ભપાત માટે ઇન્ટરનેટનો લીધો સહારો

ધો. 10માં અભ્યાસ કરતી 16 વર્ષીય અવનીની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે છ મહિના અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર 19 વર્ષીય રાકેશ યાદવ (નામ બદલ્યું છે) સાથે મિત્રતા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. પાંડેસરાના પંચમુખી હનુમાન મંદિર વિસ્તારમાં રહેતા અને કાપડાના કારખાનામાં નોકરી કરતો રાકેશ તેને પોતાના ઘરે લઈ જઈ અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. જેથી પોતાને ગર્ભ રહ્યો હોવાથી વિદ્યાર્થીનીએ ગર્ભપાત કરવાનું નક્કી કરી લીધું હતું. જેથી તેણે યુટ્યુબ જોવાનું શરુ કર્યું હતું અને તેમાં ગર્ભપાત સર્ચ કરીને તેના આધારે દવા લીધી હતી.

બાળકને ખાડી કિનારે ત્યજી દીધું હોવાની ચોંકાવનારી કબૂલાત

ગત 8 જાન્યુઆરીએ ગર્ભપાતની ગોળી પીધી હતી. ગોળી પીધા બાદ તા. 9 જાન્યુઆરીની વહેલી સવારે ૩ વાગ્યાના અરસામાં પેટમાં દુઃખાવો થતાં બાથરૂમમાં ગઈ હતી જ્યાં ડિલિવરી થતાં બાળકને જન્મ આપ્યો હતો. પોતાની આબરૂ બચાવવા પ્રેમસંબંધ થકી જન્મેલા બાળકને ખાડી કિનારે ત્યજી દીધું હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મુંબઈ ખાતે નોકરી કરતાં રાકેશ યાદવને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

માતા-પિતાએ પૂછ્યું તો કહ્યું બહુ ગેસ રહે છે એટલે પેટ ફુલેલું છે...

ઇન્સ્ટાગ્રામ થકી પ્રેમ સંબંધ બંધાયા બાદ શરીર સંબંધ બાંધનાર અવનીને ગર્ભ રહ્યો હતો. જોકે આ અરસામાં 16 વર્ષીય પ્રેમી સુરત છોડી મુંબઈ નોકરી કરવા ચાલ્યો જતાં પોતે ગર્ભવતી છે, આ બાબત કોઈને કહી શકે એમ ન હતી. બીજી તરફ સમય પસાર થતાં ગર્ભના કારણે પેટ મોટું દેખાતું હતું, જેથી માતા અને પિતાએ અવનીને પૂછતાં તેણીએ કહ્યું હતું કે આજકાલ ગેસ બહુ રહે છે એટલે પેટ ફૂલેલું રહે છે.


Google NewsGoogle News