Get The App

ધોરણ 1 થી 8 ગુજરાતી વિષય ફરજીયાત કરાશે, સરકાર વિધાનસભા સભાના સત્રમાં બિલ લાવશે

જે શાળામાં ગુજરાતી વિષય ભણાવવામાં નથી આવતો તેની સામે કાર્યવાહી થશે

Updated: Feb 22nd, 2023


Google NewsGoogle News
ધોરણ 1 થી 8 ગુજરાતી વિષય ફરજીયાત કરાશે, સરકાર વિધાનસભા સભાના સત્રમાં બિલ લાવશે 1 - image



ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2023 બુધવાર

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થશે. તે પહેલાં આજે કામકાજ સલાહકાર સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં આવતીકાલે રજૂ થનારા વિધેયકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત ઈમ્પેક્ટ ફી સુધારા વિધેયક બિલ અને ધોરણ 1થી8માં ગુજરાતી ભાષા ફરજિયાત માટેનું બિલ લાવવા અંગેની ચર્ચાઓ કરાઈ હતી. 

વિદ્યાર્થીઓનો ગુજરાતીનો પાયો મજબૂત બનશે
ગઇકાલે ગુજરાતી શિક્ષણ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે, આપણી માતૃભાષા ગુજરાતી એ સંવેદના અને સમન્વયની ભાષા છે. વિદ્યાર્થીઓનો ગુજરાતીનો પાયો મજબૂત બને એ માટેના પ્રયાસો શિક્ષણ વિભાગ દ્વારા થઈ રહ્યાં છે. જે કઈ ખામી છે તેનું આવનારા સમયમાં અમારા શિક્ષણવિદો, બૌધિકો ગુજરાતી ભાષાના તજજ્ઞોની સાથે મળીને સમાધાન કરશે. 

તમામ બોર્ડની સ્કૂલોમાં આ નિયમ ફરજીયાત થશે
આજે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ નિવેદન આપતાં કહ્યું હતું કે, ધોરણ 1 થી 8 ગુજરાતી વિષય ફરજીયાત અભ્યાસ કરાશે.રાજ્યમાં ચાલતી તમામ બોર્ડની સ્કૂલોમાં આ નિયમ ફરજીયાત થશે. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની દરેક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત છે. જે શાળામાં ગુજરાતી વિષય ભણાવવામાં નથી આવતો તેની સામે કાર્યવાહી થશે'

ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે થઈ હતી અરજી
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે જાહેર હિતની અરજી થવા પામી હતી. જે અરજીના આધારે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. ત્યારે કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવતા હોવાની અરજદારની રજૂઆત હતી.  ત્યારે આ મામલે હાઈકોર્ટ દ્વારા ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે તે મામલે સરકારી વકીલને પૂછતા સરકારી વકીલે હાઈકોર્ટને કહ્યું હતું કે 'ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યું કરીશું.


Google NewsGoogle News