હિરાસર એરપોર્ટ પર ટેક્સીમાં પેસેન્જર ભરવા બાબતે મારામારી
બે ભાઈઓ અને તેના પિતા સહિત ત્રણ ઘાયલ બામણબોરના શખ્સો સામે ફરિયાદ : રાયોટીંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી
રાજકોટ, : રાજકોટ નજીકના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક્ષીમાં પેસેન્જર ભરવા બાબતે બે પક્ષ વચ્ચે ઝઘડો થયા બાદ એક પક્ષે બીજા પક્ષ ઉપર હૂમલો કરતાં બે યુવાનો અને તેના પિતાને ઈજા થઈ હતી. એરપોર્ટ પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.
બેટી રામપરા ગામે રહેતાં જયદિપ જગદિશભાઈ મકવાણા (ઉ.વ.ર૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે હિરાસર એરપોર્ટ ખાતે ટેક્ષી લઈ ઉભો રહે છે. ગઈકાલે સાંજે ટેક્ષીમાં પેસેન્જર ભરતો હતો ત્યારે વિક્રમ ઉર્ફે ભાણો પોતાની ટેક્ષી લઈને આવ્યો હતો અને તેમાં પેસેન્જર ભરવાનું શરૃ કરતાં તેણે તેમ કરવાની ના પાડી હતી.
જેથી તેને બેફામ ગાળો ભાંડી કહ્યું કે એરપોર્ટ બહાર નીકળ એટલી વાર છે. ત્યારબાદ તે પોતાની ટેક્ષી પાર્કીંગમાં મુકી ઘરે જવા માટે નીકળ્યો હતો. મેઈન હાઈ-વે પર પહોંચ્યા બાદ ભાઈ સંજયને કોલ કરી તેડી જવાનું કહ્યું હતું. જેથી થોડીવારમાં સંજય ત્યાં આવી પહોંચ્યો હતો.
બંને ભાઈઓ ત્યાં ઉભા હતા ત્યારે બ્રેઝા અને થાર કારમાં બામણબોરનો મહેશ સુસરા, લાલો સુસરા અને તેનો ભાણો વિક્રમ ઉપરાંત અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા. તમામ પાસે પાઈપ, લાકડાના ધોકા અને મુઠ હતી. જેના વડે તેના અને તેના ભાઈ ઉપર હૂમલો કર્યો હતો. તેના પિતા આવી જતાં તેની ઉપર પણ હૂમલો કર્યો હતો.
જતાં-જતાં કહેતાં ગયા કે બીજી વખત એરપોર્ટની અંદર ટેક્ષી ભરવા માટે આવીશ તો તમને બધાને જાનથી મારી નાખીશું. ત્યારબાદ તેને, તેના ભાઈ અને પિતાને કુવાડવા સરકારી હોસ્પિટલ બાદ રાજકોટની સિવીલમાં ખસેડાયા હતા. તેના માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા. તેના ભાઈને જમણી બાજુના ખભા પર ચાર ટાંકા આવ્યા હતા, જમણા પગના પોચા ઉપર ત્રણ ટાંકા આવ્યા હતા. તેના પિતાને આંખના નેણ ઉપર, પેટ, વગેરે ભાગે ઈજા પહોંચી હતી.