ખેડામાં ગણેશ વિસર્જન દરમિયાન બબાલ, ડીજે વગાડવા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી, પોલીસ કાફલો તહેનાત

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
Vaso Police Station



Kheda Ganesh Visarjan: ગણેશોત્સવ દરમિયાન રાજ્યમાં કેટલાક લોકો કોમી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે (17 સપ્ટેમ્બર) ખેડા જિલ્લાના વસોમાં ગણેશ વિસર્જન દરમિયાન ડીજે વગાડવા બાબતે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કેટલાક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા.

હકિકતમાં, વસો તાલુકામાં ટાવર ચોક પાસેની મસ્જિદ પાસે મુખ્ય વિવાદ થયો હતો. જેમાં ડીજે વગાડવા મામલે બે જૂથ વચ્ચે થયેલી બબાલ ગંભીર ઘટનામાં ફેરવાઇ હતી. ત્યારે આ ઘટનાને લઇ ખેડા જિલ્લાના પોલીસ વડા અને ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ મારામારીમાં બંદોબસ્તમાં આવેલા કેટલાક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. જેને લઇ ઘટનાએ ગંભીરરૂપ ધારણ કર્યું છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં અશાંતિ અને ભયનો માહોલ ફેલાયો છે. જો કે, પરિસ્થિતિને કાબુ કરવા હાલ પોલીસ દ્વારા વધારે સખત બંદોબસ્ત ખડકાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન સર્જાઈ જૂથ અથડામણ, હોર્ડિંગ પર લગાવેલા ઝંડાને લઈને થયો હતો વિવાદ

અસમાજિક તત્વોનો ત્રાસ

ગત અઠવાડિયે કઠલાલમાં વાહન ઓવરટેક જેવી નાનકડી વાતે બે કોમના ટોળાઓએ આખું કઠલાલ શહેર માથે લીધું હતું. ત્યારબાદ પોલીસે આખો મામલો થાળે પાડ્યો હતો. જોકે, ગત શનિવારે મહુધા પંથકમાં બે ઈન્સ્ટા આઈડી યુઝર્સે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી. જેને લઈને કઠલાલના યુવકો ફરિયાદ નોંધાવવા મહુધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. મોડી રાત્રે ફરિયાદ નોંધાવી પરત ફરતા પોલીસ સ્ટેશનની બહાર જ ટોળું આવી પહોંચ્યું હતું. પોલીસે ફરિયાદીને પોતાની ગાડીમાં બેસાડવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી પોતે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં. ત્યારબાદ SOG, LCB ની ટીમ બીજા દિવસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

સુરતમાં પથ્થરમારાની ઘટના 

સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં સ્થાપના કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિ પર ચાર-પાંચ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં ગણેશજીની મૂર્તિ ખંડિત થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં પાલ-હજીરા રોડ પર ગણેશજીની ઉંચી પ્રતિમા વાયરોના કારણે પસાર ન થતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો

વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયત્ન

શહેરના ભાયલી રોડ પર આવેલી અર્બન રેસિડેન્સીમાં ટેરેસ પર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જ્યાં ગણપતિની સ્થાપના કરી છે તે બિલ્ડિંગ પર ઝંડો લાગ્યો હતો. જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા. જો કે, બાદમાં સ્થાનિક કૉર્પોરેટર અને પોલીસે મધ્યસ્થી કરતા ઝંડા ઉતારી લેવામાં આવ્યા.

ભરૂચમાં બે સમુદાયો વચ્ચે અથડામણ

ભરૂચમાં બે સમુદાયના લોકો વચ્ચે મોડી રાતે અથડામણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં બે મોટા તહેવાર એકસાથે આવી રહ્યા છે જેની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ બબાલ થઇ હતી. બી. ડિવિઝન પોલીસમથકના કુકરવાડામાં આવેલા ગોકુળનગર નજીક બે સમુદાયના લોકો વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણી માટે ઝંડા લગાવવા જતા મામલો બીચક્યો હતો. આ દરમિયાન ભારે પથ્થરમારો અને તોડફોડ જેવી ઘટનાઓ બની હતી.

ગણેશ પંડાલ પર પથ્થરમારો

કચ્છમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની છે. 10 સપ્ટેમ્બરે સાંજે કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પણ  સુરતની જેમ બાળકોનો ઉપયોગ કરીને શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તોફાની તત્વોએ નજીકમાં આવેલા એક મંદિર પર અન્ય ધર્મનો ઝંડો પણ લગાવ્યો હતો. 


Google NewsGoogle News