અગાઉ થયેલી પોલીસ ફરિયાદના સમાધાન બાબતે ડખ્ખો થતાં બે જૂથો વચ્ચે ધિંગાણું
- બે વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા
- સશસ્ત્ર મારામારી કરી ધમકી આપ્યાની બંને પક્ષે ૧૧ શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
ભાવનગર : આગાઉ થયેલી પોલીસ ફરિયાદના સમાધાન માટે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ જતા બંને પક્ષ વચ્ચે તલવાર, છરી વડે મારામારી થઈ હતી. આ મારામારીમાં બે વ્યકિતને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર કુંભારવાડા મોતીતળાવ શેરી નંબર ૬ ખાતે રહેતા અબ્દુલભાઈ સતારભાઈ શેખના સાળા રજાકભાઈ ઉસ્માનભાઈ જુણેજાને મહેબુબ હબીબભાઈ તથા જાબીર ફિરોજભાઈ તથા જુબેર ફિરોજભાઈ તથા અમન અશરફભાઈ તથા હનીફ હબીબભાઈ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આ કેસનાં સમાધાન કરી નાખવા માટે અવાર-નવાર અબ્દુલભાઈ પાસે ઉપરોક્ત શખ્સો આવતા હતા. દરમિયાનમાં ગઈકાલે પાંચેય શખ્સ વાર ફરતી છરી, તલવાર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા સાથે આવી અબ્દુલભાઈ પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતાં. આ બનાવ સંદર્ભે અબ્દુલભાઈએ પાંચ શખ્સ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સમાપક્ષે કુંભારવાડા મોતીતળાવ શેરી નંબર ૬ ખાતે રહેતા રજાક જુણેજાને તેના કુટુંબી હનીફભાઈ જુણેજા ઉપર કેસ કરેલ હોય જે બાબતે મહેબુબભાઈ હબીબભાઈ કુરેશી રજાકભાઈને કહેલ કે, તમે બધા ભાઈઓ થાવ છો જેથી સમાધાન કરી નાખો જે બાબતની દાજ રાખી રજાક ઉસ્માનભાઈ જુણેજા તથા મામુ અબ્દુલભાઈ તથા ફરદીન ફિરોજભાઈ તથા અબ્દુલ સતારભાઈ તથા આફતાબ અબ્દુલભાઈ તથા શાહરુખએ વારાફરતી આવી ગાળો આપી ડાબી આંખના નેણ ઉપર છરી વડે ઈજા કરી શરીરે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મહેબુબભાઈ હબીબભાઈ કુરેશીએ બોરતળાવ પોલીસ મથકમાં ૬ શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.