Get The App

કોંગ્રેસ અને પરાજિત આપના ઉમેદવારો વચ્ચે બબાલ, મહિલા પોલીસકર્મીને ઇજા

Updated: Feb 19th, 2025

GS TEAM


Google News
Google News
કોંગ્રેસ અને પરાજિત આપના ઉમેદવારો વચ્ચે બબાલ, મહિલા પોલીસકર્મીને ઇજા 1 - image


જૂનાગઢના વોર્ડ નં.8 વિસ્તારમાં જીત બાદ ઘર્ષણ

કોંગ્રેસના ઉમેદવારો કાર્યકરો ચિતાખાના ચોકમાં પહોંચ્યા ત્યારે માથાકૂટ, પોલીસકર્મી વચ્ચે પડતાં કોંગ્રેસના વિજેતા ઉમેદવારે ટેબલ મારી ઇજા કરી

જૂનાગઢ: જૂનાગઢના વોર્ડ નં.૮ના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર સહિતના કાર્યકરો ચિતાખાના ચોકમાંથી વિજય સરઘસ સાથે પસાર થતા આપના પરાજીત ઉમેદવાર સહિતનાઓએ ગાળા ગાળી મારામારી કરી હતી. જેમાં મહિલા પોલીસકર્મી વચ્ચે પડતા કોંગ્રેસના વિજેતા ઉમેદવારે તેને ટેબલ મારી દીધું હતું. આ અંગે પીએસઆઇએ કોંગ્રેસના વિજેતા તેમજ આપના પરાજીત ઉમેદવાર સહિતના ૨૨ શખ્સો સામે ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે ફરજમાં રૂકાવટ હુલ્લડ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ આજે મનપાની ચૂંટણીની મતગણતરી હતી. જેમાં વોર્ડ નં.૮માં કોંગ્રેસની પેનલના ચારેય ઉમેદવારની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવારોને ચિતાખાના ચોકમાં પરાજીત આપ ઉમેદવાર વિજય સરઘસ વખતે હુમલો કરે એવી દહેશત વ્યક્ત કરી હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા ગર્વ ટીમ સહિતના સ્ટાફને ચિતાખાના ચોકમાં બંદોબસ્તમાં મુકવામાં આવ્યો હતો. બપોરે સાડા બારેક વાગ્યે કોંગ્રેસ પક્ષના વિજેતા ઉમેદવાર અદ્રેમાન પંજા સહિતના કાર્યકરો ચિતાખાના ચોકમાં પહોંચતા ત્યાં તેઓએ નારા લગાવ્યા હતા ત્યારે વોર્ડ નં.૮ના આમ આદમી પાર્ટીના પરાજીત ઉમેદવાર રઝાક હાલાની ઓફિસમાંથી ૧પથી ર૦ લોકોનું ટોળું ગાળો બોલતા અને ઉગ્ર નારા લગાવતું ત્યાં આવ્યું હતું. બંને પક્ષના ટોળા વચ્ચે ઝપાઝપી થઈ હતી. બંદોબસ્તમાં હાજર પોલીસ બંને પક્ષના ટોળાને અલગ પાડતી હતી ત્યારે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અદ્રેમાન પંજાએ ટેબલનો છુટ્ટો ઘા કરતા ગર્વ ટીમના મહિલા કોન્સ્ટેબલ મયુરીબેન ભૂપતભાઈ ધ્રાંગા પડી ગયા હતા જેમાં તેને માથામાં ઈજા થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસ પક્ષની રેલીમાં હાજર અરમાન તારીક શેખ, જાહીર જાકીર શેખ, સાકિર કાદર શેખ, અઝીમ હબીબ મેમણ, અબ્દુલ રઝાક હાજીહુસેન, ન્યાઝમહમદ, રિયાઝખાન યુસુફજઈ, મહેબુબ પંજા, ગની ફકીર તથા સાજીદ મેમણ પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. તેને અલગ કરતા હતા ત્યારે આદમ હુસેન હાલા, મહમદ ઉર્ફે ડેની હુસેન હાલા, રઝાક હુસેન હાલા, રમીઝ સિદીક હાલા, માહિર મુસ્તાક હાલા, સમીર ઉર્ફે કાગડો સમા, મિન્ડીબાપુ નાસીરબાપુ, સમીર રઝાક હાલા, શરીફ ઉર્ફે દિલો હાલા, અરમાન કરીમ હાલા, જીસાન કરીમ હાલા અને અયાઝ મહમદહુસેન હાલાને ઝઘડો ન કરવા કહેતા આ લોકોએ પણ રેલીમાં મારામારી કરવા લાગ્યા હતા. રમીઝ હાલાના બંને હાથમાં છરી હોવાથી પોલીસે તેને પકડી લીધો હતો પરંતુ તે પીએસઆઈ પી.કે. ગઢવીના હાથમાંથી છટકી બાજુની ગલીમાં દોડીને ભાગી ગયો હતો. પોલીસે આદમ હાલા, મહમદ ડેની હુસેન હાલા તથા શરીફ ઉર્ફે દિલો હાલાને પકડી લીધા હતા જ્યારે અન્ય શખ્સો નાસી ગયા હતા.

આ અંગે પીએસઆઈ પી.કે. ગઢવીએ ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર તથા કાર્યકરો અને આપના પરાજીત ઉમેદવાર તેમજ તેના ટેકેદારો સહિત ર૩ શખ્સો સામે ફરજમાં રૂકાવટ, રાયોટીંગ સહિતની કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને ફરાર થયેલા શખ્સોને પકડી લેવા તજવીજ શરૂ કરી છે. આ ઘટના બાદ ચિતાખાના ચોકમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, બપોરે બબાલ થયા બાદ સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે, બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, હાલ ફરાર શખ્સોને પકડવા તપાસ ચાલી રહી છે.

Tags :