વડોદરામાં ગેરકાયદે દબાણો અને પાણી કનેક્શન કાપવા જતાં કૉર્પોરેશન અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ
image : Filephoto
Vadodara Demolition : વડોદરા શહેરના ઉત્તર વિભાગમાં વૉર્ડ નં. 7માં કેટલીક સોસાયટીઓના આંતરિક રસ્તે થયેલા ઓટલા અને કમ્પાઉન્ડ બોલના ગેરકાયદે દબાણોનો સફાયો કરીને દબાણ શાખાએ તરસાલી શાક માર્કેટ વિસ્તાર અને મણીનગર સોસાયટી આસપાસના ગેરકાયદે પાણીના કેટલાક કનેક્શન કાપી નાખતાં સ્થાનિક રહીશો સાથે તું તું મેં મેં થવા સહિત ઘર્ષણના પણ દૃશ્યો સર્જાયા હતા. જોકે સ્થાનિક પોલીસે મામલો થાળી પાડ્યો હતો. તમાશો જોવા એકત્ર થયેલા ટોળાને પણ પોલીસે હટાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવાની ફારસરૂપ કામગીરી પાલિકા તંત્રની દબાણ શાખા દ્વારા કરવામાં આવી હતી. દરમિયાન દબાણ શાખાની એક ટીમ કારેલીબાગ વિસ્તારના વૉર્ડ નં. 7મા આજે સવારથી ત્રાટકી હતી. વૉર્ડની કેટલીક સોસાયટીઓના આંતરિક રસ્તે સોસાયટીના કેટલાય સભ્યોએ પોતાના મકાન આગળ ઓટલા અને ગેરકાયદે કમ્પાઉન્ડ બનાવી દીધા હતા.
આ અંગેની ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી. જેથી વર્ધમાન સોસાયટી, નિકુંજ સોસાયટી, પૂજ્ય કુંજ સોસાયટી વિસ્તારના આંતરિક ઓટલા અને ગેરકાયદે કમ્પાઉન્ડ વૉલ પર પાલિકાની દબાણ શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગેરકાયદે દબાણના સફાયાની ચાલતી કામગીરી દરમિયાન કેટલાય ગેરકાયદે ઓટલા ધારકોએ પાલિકાની ટીમ સાથે તું તું મે મેં સહિત રકઝક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાયદો વ્યવસ્થા જાળવતી પોલીસે તમામને શાંતિથી હટાવ્યા હતા. દરમિયાન દબાણ શાખાની ટીમનું બુલડોઝર 12 જેટલા ગેરકાયદે ઓટલા, ગેરકાયદે આઠ જેટલી કમ્પાઉન્ડ વોલ પર ફરી વળ્યું હતું.
ગેરફાયદે પાણી કનેક્શન કાપવાની ઝુંબેશ શરુ કરાશે
વડોદરા પાલિકા તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી કાચા પાકા દબાણો શેડ અને લારી ગલ્લા તથા દુકાનોની આગળ બનાવવામાં આવેલા શેડ તોડી પાડવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનાથી વધુ સમય કરતાં ચાલતી આ કામગીરી બાદ હવે પાલિકા તંત્રની દબાણ શાખા દ્વારા પાણીના ગેરકાયદે દબાણો સહિત ડ્રેનેજના ગેરકાયદે દબાણો કાપવાનો ઍક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આગામી કેટલાક દિવસોમાં આ અંગેના કાર્યક્રમનો અમલ કરવામાં આવશે.
સ્થાનિક પોલીસ સહિત સલામતીના કારણોસર ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિત વીજ નિગમની ટીમ અંગે એક મતિ સધાયા બાદ પાલિકા તંત્રની દબાણ શાખા દ્વારા આ કાર્યક્રમને અમલમાં મૂકવામાં આવશે. શહેરના છેવાડાની કેટલીક સોસાયટીઓમાં ગેરકાયદે પાણી- ડ્રેનેજના દબાણનો રાફડો ફાટ્યો છે. આ અંગેની જાણ થતાં પાલિકા તંત્ર દ્વારા આવા ગેરકાયદે દબાણનો સફાયો કરવા ઍક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેનો અમલ આગામી એકાદ બે દિવસમાં થવાની શક્યતા નકારી શકાતી નથી.