જામનગરના જામવણથલી ગામમાં ખેતીની જમીનના ભાગના પ્રશ્ને કાકા અને ભત્રીજાના પરિવાર વચ્ચે માથાકૂટ
Jamnagar Land Dispute : જામનગર તાલુકાના જામવણથલી ગામમાં આવેલી વારસાઈ ખેતીની જમીનના ભાગના પ્રશ્ને કાકા અને ભત્રીજાના પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. જેમાં બે ભત્રીજાઓએ પોતાના કાકાની વાડીમાં તોડફોડ કરી નુકસાની કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જયારે સામા પક્ષે ભત્રીજાએ પણ પોતાના કાકા કાકી વગેરે સામે હુમલો કરી પોતાના બાઈકમાં તોડફોડ કરી નાખ્યાની પોલીસ ફરિયાદ કરી છે.
જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પરસોતમભાઈ લાલજીભાઈ રાઠોડએ પોતાને તેમજ પોતાના પત્ની અને પુત્રને ધાક ધમકી આપી પોતાની વાડીમાં પાણીની મોટર અને તેના વાયરમાં તોડફોડ કરી નાખવા અંગે ઉપરાંત ઝટકા મશીન વગેરેમાં પણ તોડફોડ કરી ટ્રેક્ટરની ડિઝલની નળી કાપી નાખી નુકસાન પહોંચાડવા અંગે પોતાના જ બે ભત્રીજાઓ હાલ રાજકોટમાં રહેતા જીતેન્દ્ર ભગવાનજીભાઈ રાઠોડ અને રાજેશ ભગવાનજીભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત સામા પક્ષે ભત્રીજા જીતેન્દ્ર ભગવાનજીભાઈ રાઠોડએ પણ પોતાના કાકા પરસોત્તમભાઈ લાલજીભાઈ રાઠોડ, કાકી પરસોત્તમભાઈ રાઠોડ અને તેમના પુત્ર મહેન્દ્ર પરષોત્તમભાઈ રાઠોડ સામે હુમલાની અને પોતાના મોટરસાયકલમાં તોડફોડ કરી નાખ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર કાકા ભત્રીજા વગેરેની સંયુક્ત માલિકીની ખેતીની જમીન આવેલી છે જેમાં કાકા પરસોતમભાઈ ખેતી કરે છે, જ્યારે ભત્રીજાઓએ પોતાના ભાગની જમીન મામલે અદાલતનો આશરો લીધો હતો, અને અદાલતે કેટલીક જમીનનો હિસ્સો બન્ને ભત્રીજાઓને આપી દેવા હુકમ કર્યો હતો. જે અદાલતના આદેશ અનુસાર બંને ભાઈઓ પોતાના ભાગની જમીનમાં પ્રવેશ કરતાં તકરાર થઈ હતી, અને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.