હળવદના જૂના દેવળીયા પાસે ખેડૂતો અને જેટકોના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ
ખેડૂતોએ આત્મવિલોપનની ચિમકી આપી વરસાણાથી માનસર થતી વીજ લાઈન માટે ખેડૂતોને જાણ કર્યા વગર ખેતરોમાં ઉભા મોલ વચ્ચે વીજપોલ નાંખવાની કામગીરી કરાતા ખેડૂતો વિફર્યા
હળવદ, : હળવદના જૂના દેવળીયા ગામ પાસે વાડી વિસ્તારમાં ખેતરોમાં વીજ લાઈનના થાંભલા ઉભા કરવા બાબતે જેટકોના અધિકારીઓ તથા ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ખેડૂતોને અગાઉથી જાણ કર્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે આવી જેસીબી થકી ખેતરોમાં ઉભા મોલ વચ્ચે કામગીરી કરાતા ખેડૂતો વિફર્યા હતા. અને તડપીટ બોલાવી હતી. તથા જો બળજબરીથી કામગીરી કરાશે તો આત્મવિલોપન કરવાની ખેડૂતોએ ચિમકી આપી હતી.
હળવદ તાલુકાના જુના દેવળીયા પાસે આવેલ વાડી વિસ્તારમાં ૪૦૦ કેવી કચ્છના વરસાણાથી માનસર લાઈનની કામગીરીમાં કોઈપણ ખેડૂતોને જાણ કર્યા વગર પોતાની મનમાની કરી પોલીસ બંદોબસ્ત સાથે રાખી જેટકોના કર્મચારી દ્વારા ખેડૂતોએ પોતાના પેટે પાટા બાંધી ઉભી કરેલ મોલાતમાં કોઈ પણ જાણ કર્યા વગર વાડીમાં અંદર વીજ પોલનું કામ શરૃ કરવા પોલીસ બંદોબસ્ત વચ્ચે સાથે જેસીબી દ્વારા કામગીરી કરાતા ખેડૂતોમાં રોષની લાગણી ફાટી નીકળી હતી. હાલમાં ખેડૂતોનો જીરૂ રાયડો અને દાડમ?નો પાક ઉભો છે. વીજ લાઈનની કામગીરી કરવામાં આવશે તો ખેડૂતને મોટી નુકસાની વેઠવાનો વારો આવશે. તેવી ખેડૂતોએ રજૂઆત કરી હતી. ખેડુતોઓએ જ્યાં સર્વે થયો છે ત્યાં કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરી હતી જે બાબતને લઈને જેટકોના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ કરતા હોવાનો આક્ષેપ પણ ખેડૂતોએ કર્યો છે. તેમજ જો ખેડૂતો સાથે બળજબરી કરવામાં આવશે તો આત્મવિલોપન કરવામાં આવશે તેવી ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે