વડોદરામાં ગેંડા સર્કલ પાસેથી જતાં ટુ વ્હીલર ચાલક અને ટ્રાફિક જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી
Vadodara : વાહન વ્યવહારથી ધમધમતા અને પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા ગેંડા સર્કલ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા માટે તૈનાત ટ્રાફિક જવાનને ટુ વ્હીલર ચાલકને કોઈક કારણોસર રોક્યો હતો. પરિણામે બંને વચ્ચે પ્રાથમિક તબક્કે બોલાચાલી બાદ મામલો બંને વચ્ચે હાથાપાઈ પર પહોંચતા તમાશો જોવા અન્ય વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. જ્યારે અન્ય લોકો પણ એકત્ર થઈ જતા વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી.
દિવાળી-નવા વર્ષના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોત પોતાના કામ આટોપવાના અને ખરીદીના ઇરાદે શહેરના વિવિધ બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ છે જ્યારે વાહન વ્યવહારના કારણે વિવિધ રોડ-રસ્તાઓ પર પણ અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. શહેરના કોઈપણ રોડ-રસ્તા ભારે વાહન વ્યવહારથી બાકાત નથી. દરમિયાન શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા અને વાહન વ્યવહારથી સતત ધમધમતા ગેંડા સર્કલ વિસ્તારમાં એક ટ્રાફિક પોલીસ જવાન ફરજ પર હાજર હતો. ત્યારે કોઈક કારણસર નીકળેલા ટુ-વ્હીલર ચાલકને ટ્રાફિક જવાને રોક્યો હતો. દરમિયાન વાહન ચાલક પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ ટ્રાફિક જવાને માંગ્યા હતા પરિણામે બંને વચ્ચે બોલાચાલી અને રકઝક શરૂ થઈ હતી. જ્યોત જોતામાં મામલો બિચકતા ઉગ્ર બોલાચાલીના કારણે પસાર થતા વાહનચાલકોએ પણ પોતાના વાહન સંભાળવી તમાશો જોવાનું શરૂ કર્યું હતું. જ્યારે રાહદારીઓ પણ તમાશો જોવા રોકાઈ ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ મામલો વધારે બીચકતા ટ્રાફિક જવાન અને બાઈક ચાલક વચ્ચે હાથાપાઈ પણ થઈ હતી. પરંતુ કેટલાક લોકોએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.