સવા કરોડની લોન અપાવવાનું કહી 2.85 લાખ પડાવી લીધા
સવા કરોડની લોન કરાવી આપવાનું કહી ફાઇનાન્સની ઓફિસ ચલાવતા બે ભાગીદારોએ 2.85 લાખ પ્રોસેસ પેટે પડાવી લઇ છેતરપિંડી કરી હતી. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડભોઇ રોડ કપુરાઇ ચોકડી પાસે શુભ રેસિડેન્સીમાં રહેતા મનિષભાઇ વિઠ્ઠલભાઇ બવાડીયા એરટેલ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. અકોટા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - 2018 માં હું શ્રી હરિ ઇન્ડસ્ટ્રી નામથી ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે ઘઉં દળવાની મીલ ચલાવતો હતો. મારે લોનની જરૃર પડતા લોનનું કામ કરતા ચેતન બોરસેએ વર્ષ - 2020 માં સ્ટેટ બેન્કમાંથી ૩ લાખની લોન કરાવી આપી હતી. તેના પર વિશ્વાસ આવતા મારે વધુ રૃપિયાની જરૃર હોઇ ચેતનને વાત કરી હતી. ચેતને મને કહ્યું કે, હું અને મિતુલ ગાંધી ભાગીદારીમાં સ્વયં ફાઇનાન્સ નામની ઓફિસ લલિતા ટાવરમાં ખોલી છે. ત્યાં તમે દસ્તાવેજો આપી જજો. તમારી લોન કરાવી આપીશ.
ત્યારબાદ તા. 08- 01 - 2022 ના રોજ હું તેઓની ઓફિસે ગયો હતો. ત્યાં ચેતન અને મિતુલને મળ્યો હતો. તેઓને ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. તેઓએ પાંચ થી છ મહિનામાં સવા કરોડની લોન કરાવી આપવાનું કહ્યું હતું. તેઓએ લોન કરાવવાના 8 ટકા ખર્ચ અને મહેનતાણા પેટે આપવાનું તેમજ 4 ટકા એડવાન્સમાં આપવાનું કહ્યું હતું . તેઓએ લોન કરાવી આપવા માટે મારી પાસેથી કુલ 3.85 લાખ લીધા હતા. તેઓએ લોન કરાવી નહી આપતા મેં તેઓની પાસેથી રૃપિયા પરત માંગ્યા હતા.તેઓએ મને આપેલો ચેક રિટર્ન થયો હતો. તેઓએ મને 1 લાખ પરત કર્યા હતા. બાકીના 2.85 લાખ પરત કર્યા નહતા.
ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે મિતુલ સુરેશભાઇ ગાંધી(રહે. કોઠી પોળ, રાવપુરા રોડ તથા કુંજ સોસાયટી, અલકાપુરી) અને ચેતન સોપાનભાઇ બોરસે ( રહે. વૃંદાવન પાર્ક સોસાયટી, વડસર રોડ) ની સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.