ગ્રેડ પે મુદ્દે કોર્ટમાં કેસ દાખલ નહીં થયો છતાં 27.60 લાખની એફિડેવિટની ફી ચૂકવવાનો દાવો

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
ગ્રેડ પે મુદ્દે કોર્ટમાં કેસ દાખલ નહીં થયો છતાં 27.60 લાખની એફિડેવિટની ફી ચૂકવવાનો દાવો 1 - image


                                                         Image Source: Freepik

શિક્ષણ સમિતિના ઇતિહાસમાં શિક્ષકોની સૌથી મોંઘી લડત

690 શિક્ષકો પાસે સાત સાત હજાર લેખે પૈસા ઉઘરાવ્યા હતા હવે ત્રણ ત્રણ હજાર રૂપિયા પાછા આપવામાં આવી રહ્યા છે

સુરત, તા. 26 સપ્ટેમ્બર 2023 મંગળવાર

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોના ગ્રેડ પેની લડત માટે સૌથી મોંધી લડત આ વખતે પડી છે. શિક્ષકોના ગ્રેડ પે અપાવવા મુદ્દે કોર્ટમાં કેસ દાખલ થયો ન હોવા છતાં શિક્ષકોના એક ગ્રુપે 27.60 લાખ વકીલને એફિડેવિટ માટે ચુકવ્યાનો દાવો કર્યો છે. આ અંગે ભારે વિવાદ બાદ કોર્ટ કેસ માટે ફી ઉઘરાવનાર ગ્રુપે શિક્ષકોને ત્રણ ત્રણ હજાર પાછા આપવાનું શરૂ કર્યું છે. પરંતુ બાંહેધરી પત્રક પર કેટલી રકમ પરત આપવામાં આવે છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોવાથી બીજો વિવાદ ઉભો થયો છે. આ ઉપરાંત માત્ર એફીડેવીટ માટે 27.60 લાખની ચુકવણી કરવી પડે તે અંગે પણ અનેક શિક્ષકો શંકા કુશંકા ઉભી રહી રહ્યા છે. 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ગ્રેડ પે મળે તે માટે સરકાર નો ચુકાદો આવે તેવી શક્યતા હોવા છતાં કેટલાક શિક્ષકો ના જુદા જુદા ગ્રુપ દ્વારા કોર્ટ કેસ ના નામે શિક્ષકો પાસે સાત સાત હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. 

જોકે, શિક્ષક દ્વારા રોકવામા આવેલા એડવોકેટ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામા આવે તે પહેલાં જ સરકારે ગ્રેડ પે નો ચુકાદો આપી દીધો હોવાથી શિક્ષકો પાસે ઉઘરાવેલા પૈસા પરત આપવાની માગણી શરુ થઈ હતી. 

શરૂઆતમાં આ પૈસા નહી મળે તેવી વાતો કરવામાં આવતી હતી પરંતુ શિક્ષકો પાસે ઉઘરાવેલા પૈસા મુદ્દે  ભારે વિવાદ બાદ પણ પૈસા પરત આપવા માટે પૈસા ઉઘરાવનારા ગ્રુપ દ્વારા કોઈ તૈયારી બતાવવામા આવી ન હતી. દરમિયાન શિક્ષકોના એક ગ્રુપે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સમગ્ર મુદ્દાની જાણ કરી હતી ત્યારબાદ શિક્ષકોએ ચુકવેલા પૈસા પુરા પાછા મળે તેવી શક્યતા હતા. એક શિક્ષકે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો તેને પુરા સાત હજાર પાછા આપવામાં આવ્યા હતા. પરંતુ અન્ય શિક્ષકોને પૈસા પરત આપવા મુદ્દે  કોઈ  ફોડ પાડવામાં આવતા ન હતો. 

આ અંગે વિવાદ વધુ વકરે તે પહેલાં છેલ્લા ત્રણેક દિવસથી જે સ્કુલમાંથી પૈસા ઉઘરાવ્યા હતા તે સ્કૂલમાં જઈને શિક્ષકોને બાંહેધરી પત્રક પર સહી કરીને ત્રણ ત્રણ હજાર રૂપિયા પરત આપવામાં આવી રહ્યાં છે. કોર્ટ ફી પેટે એક શિક્ષક દીઠ સાત સાત હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા તેના બદલે ત્રણ ત્રણ હજાર રૂપિયા પરત આપવામાં આવી રહ્યું છે. કોર્ટ ફી ઉઘરાવનારા ગ્રુપ કહે છે, એક વાર વકીલને ફી આપી દીધા બાદ કોર્ટ કેસ કરો કે નહી કરો કે પાછો ખેંચી લો વકીલ ફી પાછી આપતા નથી. અમે વકીલ પાસે 690 શિક્ષક ના સાત હજાર રૂપિયા લેખે બધી જ ફી જમા કરાવી દીધી હતી. ત્યાર બાદ અનેક વખત વકીલ સાથે વાત કર્યા બાદ તેમણે શિક્ષક દીઠ ચાર હજાર રૂપિયા લઈને બાકી ત્રણ હજાર રૂપિયા પાછા આપવા કહ્યું હતું તે ત્રણ હજાર રૂપિયા પાછા આપી રહ્યાં છે. 

હાલ ત્રણ હજાર રુપિયા  પરત આપવામાં આવી રહ્યા છે તેની સાથે બાહેધરી પત્રક પર શિક્ષકની સહી લેવામાં આવે છે પરંતુ બાંહેધરી પત્રક પર કેટલા પૈસા પરત આપવામાં આવે છે તે અંગે કોઈ રકમ લેવામાં આવી ન હોવાથી નવો વિવાદ ઉભો થયો છે. આ ઉપરાંત એક માત્ર એફિડેવિટ માટે 27.60 લાખ રૂપિયા આપવા પડે તે વાત પણ શિક્ષકો ગળે ઉતરતી નથી.  જો કોર્ટ ફી ના નામે પૈસા ઉઘરાવનારા સાચા હોય તો તેઓએ એડવોકેટને આપેલી ફીની રસીદ કે અન્ય પુરાવા જાહેર કરવા જોઈએ તેવી માંગ શિક્ષકો કરી રહ્યાં છે. 

જોકે, એક ગ્રુપે ત્રણ ત્રણ હજાર રુપિયા પરત આપ્યા છે પરંતુ અન્ય ગ્રુપે પણ  કોર્ટ ફી ના નામે પૈસા ઉઘરાવ્યા હતા તે પૈસા હજી પરત આપવામાં આવ્યા નથી કે કોર્ટ કેસ કરવામાં આવ્યો નથી તો તે પૈસા ક્યાં ગયા તે સવાલ પણ હવે ઉભા થઈ રહ્યા છે.


Google NewsGoogle News