CJI ચંદ્રચુડે MSUના પદવીદાન સમારંભમાં કહ્યું કે વિપરીત પરિસ્થિતિમાં પણ અડગ રહો
વિપરીત પરિસ્થિતિમાં પણ અડગ રહો, દુશ્મનો સામે જાગૃત રહો, નિંદાથી ડરો નહી
વડોદરા : મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (એમ.એસ.યુ)નો ૭૨મો પદવીદાન સમારંભ આજે યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયો હતો. નાદુરસ્ત તબિયતના કારણે હાજર નહી રહેનાર મુખ્ય અતિથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય.ચંદ્રચુડે વર્ચ્યુઅલ હાજરી આપીને વિદ્યાર્થીને સંબોધન કર્યુ હતુ. સમારંભમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ચાન્સેલર રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ અને શિક્ષણમંત્રી ઋષીકેશ પટેલના હસ્તે વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
સમારંભમા ઓનલાઇન જોડાયેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય.ચંદ્રચુડે પોતાના ઉદ્બોધનો પ્રારંભ એમ કહીને કર્યો હતો કે 'મને જ્યાં જવુ ગમે તેવા સમારંભોમાં યુનિવર્સિટી પદવીદાન સમારંભનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ એવો છે જે મને મારો યુવાનીકાળ અને વિદ્યાર્થી જીવનની યાદ અપાવે છે. હું રૃબરૃ ઉપસ્થિત નથી રહી શક્યો તેના માટે હું દીલગીર છુ. આ સમારંભ તમે મેળવેલી ડિગ્રી કે ગોલ્ડ મેડલની ઉજવણી માટે નથી પરંતુ આજથી શરૃ થતી તમારી નવી સફર માટેની છે. જ્ઞાાન અને શિક્ષણ માત્ર કારકીર્દિ બનાવવા માટે નથી પરંતુ તેના થકી તમે સારૃ વ્યક્તિત્વ વિકસાવીને સારા નાગરીક અને સારા આગેવાન બની શકો છો.નિષ્ફળતા અને વિપરીત પરિસ્થિતિમાં અડગ રહો. તમારા દુશ્મનો સામે જાગૃત રહો. નિંદાથી ડરો નહી. ઉજ્જવળ ભવિષ્ય માટે સરળ જીવનશૈલીને અપનાવો.'
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ચાન્સેલર રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ અને શિક્ષણ મંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા
રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડે તેમના ઉદ્બોધનમાં કહ્યું હતું કે 'મહારાજા સયાજીરાવ ગાયકવાડના મંત્ર શ્રેષ્ઠ શિક્ષણ અને શૈક્ષણિક વિકાસને મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડે આગળ વધાર્યુ અને તેના પરિણામ સ્વરૃપ એમ.એસ.યુનિવર્સિટી મળી છે. એમ.એસ.યુનિવર્સિટીનો મુળ હેતુ પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો છે. '
તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેેલે કહ્યું હતું કે ' શિક્ષણ જ રાષ્ટ્રિય વિકાસનું મોટુ પરિબળ છે. વિશ્વ વિદ્યાલયો રાષ્ટ્રની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. ભારતના ૨૦૪૭ના રોડ મેપમાં યુવાનો ઉપર વધુ ધ્યાન અપાયુ છે.
ઉલ્લેખનીય છે કે આજના સમારંભમાં ૧૫૪ ગર્લ્સ અને ૬૬ બોયઝને કુલ ૩૪૫ ગોલ્ડ મેડલ વિવિધ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
સીજેઆઇ ચંદ્રચુડના દાદા બરોડા સ્ટેટ હોસ્પિટલમાં ચિફ મેડિકલ ઓફિસર હતા
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય.ચંદ્રચુડના વડોદરા કનેક્શન અંગે માહિતી આપતા રાજમાતાએ કહ્યું હતું કે 'ડી.વાય. ચંદ્રચુડના દાદા ડો.આર.બી.ચંદ્રચુડ બરોડા સ્ટેટ હોસ્પિટલ (હાલની એસએસજી હોસ્પિટલ)માં ચીફ મેડિકલ ઓફિસર તરીકે સેવા આપતા હતા. તેઓ સન ૧૯૨૫ થી ૧૯૪૨ સુધી એટલે કે ૧૭ વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા. તે સમયે તેઓ ધનવંતરી બંગલોમાં રહેતા હતા. આ બંગલો હાલમાં વાઇસ ચાન્સેલરના નિવાસ સ્થાન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે તેઓને ઘનિષ્ઠ સંબંધ હતા. ' આ વાતને સીજેઆઇ ડી.વાય.ચંદ્રચુડે પણ પોતાના વક્તવ્યમાં પુષ્ટી આપતા કહ્યું હતું કે 'વડોદરા આવવાનું મુખ્ય કારણ એ પણ હતું કે રાજમાતાને રૃબરૃ મળીને તેમના આશીવાર્દ મેળવી શક્યો હોત. ગાયકવાડ પરિવાર સાથે ત્રણ પેઢી જુનો સંબંધ છે. મને મારૃ બાળપણ યાદ આવે છે કે મારા પિતા મને વડોદરાની વાતો કરતા હતા.
જીવનમાં ઉચ્ચ પદ કરતા ઉચ્ચ માપદંડો મહત્વના છે : પિતા ચિફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા છતા માતા રાશનની લાઇનમા ઉભા રહેતા હતા
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય.ચંદ્રચુડે આજે પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે જીવનમાં ઉચ્ચ પદ કરતા ઉચ્ચ માપદંડો મહત્વના છે
' ૬૦ના દાયકાની વાત કરૃ છુ કે જ્યારે હું મોટો થઇ રહ્યો હતો. તે સમય ખુબ કઠીન હતો. ટેલિફોન કનેક્શન માટે વરસો સુધી રાહ જોવી પડતી હતી. મારા પિતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા છતાં માતા ગૃહિણી હતા. ઘરના બધા કામ જાતે કરતા હતા.અનાજ લેવા માટે માતા વહેલી સવારે ઉઠીને રાશનની દુકાનનની લાઇનમાં ઉભા રહેતા હતા. અમારા કુટુંબમાં હું પ્રથમ વ્યક્તિ છુ કે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણ્યો છું.
હું તમને કહેવા એ માગુ છુ કે તમારી સફળતા એ લોકોને આભારી છે કે જે લોકોે તમને ત્યાં સુધી પહોંચવા માટે રસ્તો તૈયાર કર્યો એટલે તમારો પરિવાર, શિક્ષકો, માર્ગદર્શકો અને શુભેચ્છકોના યોગદાનને ભુલી નજતા.
યુનિવર્સિટી સત્તાધીશોને કોનો ડર હતો, પદવીદાન સમારંભ પોલીસ છાવણીમાં ફેરવાયુ, ઉત્સાહનો અભાવ જોવા મળ્યો
એમ.એસ.યુનિવર્સિટીના અત્યાર સુધીના તમામ પદવીદાન સમારંભોમાં આજનો સમારંભ નિરસ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓમાં જે ઉમંગ અને ઉત્સાહ જોવા મળવો જોઇએ તેનો સદંતર અભાવ હતો તેનું કારણ એ હતું કે યુનિવર્સિટી સત્તાધીશોએ પદવીદાન સમારંભ સ્થળને પોલીસ છાવણીમાં ફેરવી દીધુ હતું.
વાઇસ ચાન્સેલરની નિયૂક્તિ સામે વિરોધ કરી રહેલા સેનેટ સભ્ય તથા કોંગ્રેસ પ્રમુખને નજરકેદ કરાયા
સમારંભ સ્થળ પર દર પાંચ ફુટે એક પોલીસ જવાન તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ડરનો માહોલ જોવા મળતો હતો. યુનિવર્સિટી સત્તાધીશોને કોનો ડર હતો કે સમારંભ સ્થળને પોલીસ છાવણીમાં ફેરવી દીધુ હતું. આ ઉપરાંત વાઇચ ચાન્સેલરની નિયૂક્તિને પડકારનાર સેનેટ સભ્ય કપીલ જોષી તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોષીને આજે સવારથી જ નજર કેદ કરી દેવામાં આવ્યા હતા.
૧૦ મેડલ : મેડિસિનમાં ૧૯ વિષયોની તૈયારી સૌથી મોટો પડકાર
બરોડા મેડિકલ કોલેજ (ફેકલ્ટી ઓફ મેડિસીન)નના વિદ્યાર્થી ડો.દેવર્શી મનિષ પંચાલે એમબીબીએસમાં ૧૦ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. દેવર્સી હાલમાં એમ.ડી.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેનું કહેવું છે કે મેડિસીનમા સૌથી મોટો પડકાર ૧૯ વિષયોની તૈયારી અને ત્યાર બાદ નીટની એક્ઝામનો હોય છે. પણ જો અભ્યાસના શરૃઆતથી જ રેગ્યુલર વાંચન કરો તો અઘરૃ નથી. હું રોજ અભ્યાસ ઉપરાંત ચાર કલાકનું રીડિંગ કરતો હતો.
૮ મેડલ : ગોલ્ડ મેડલની આશાએ તૈયારી કરતી નહતી
એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ફેકલ્ટીની વિદ્યાર્થિની વિધિ રવિન્દ્રકુમાર સિંગે સિવિલ એન્જિનિયરિંગમાં ૮ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. વિધિ કહે છે કે હું ગોલ્ડ મેડલની આશાએ તૈયારી કરતી નહતી.પણ બેસ્ટ રિઝલ્ટ માટે તૈયારી કરતી હતી. રોજ કોલેજ પછી પણ બે ત્રણ કલાક અભ્યાસ કરતી હતી. મારા પિતા પણ સિવિલ વર્ક કરે છે અને મોટી બહેને પણ એમ.એસ.યુનિવર્સિટીમાંથી જ સિવિલ એન્જિનિયરિંગ કર્યુ છે.
ઘરની જવાબદારી સાથે બે પુત્રીઓની માતાએ ૬ મેડલ મેળવ્યા
ફેકલ્ટી ઓફ આર્ટસના સંસ્કૃત, પાલી અને પ્રાકૃત વિભાગના ૪૩ વર્ષના વિદ્યાર્થિની બે પુત્રીઓની માતા એવા પાયલ સ્નેહલ જોષીએ પુરાણ, વેદાંત સહિતના વિષયોમાં ૬ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ફાર્મા કંપનીમાં પરચેઝ મેનેજર તરીકે નોકરી કરતા પતિ અને સાસુ સસરાના સહયોગથી આ સિધ્ધિ હાંસલ કરનાર પાયલ કહે છે કે વહેલી સવારે ચાર વાગ્યે ઉઠીને સાત વાગ્યા સુધી અભ્યાસનું વાંચન પછી ઘરકામ, પછી કોલેજ , કોલેજથી આવીને ઘરનું કામ અને પરિવારની જવાબદારી અને સાંજે ફરીથી ભણવાનું. આટલી મહેનતનું પરિણામ ૬ ગોલ્ડ મેડલ છે
પાંચ મેડલ : એક્ઝામ વખતે રોજ ચાર પાંચ કલાકનું વાંચન કરતી હતી
કોમર્સ ફેકલ્ટીની વિદ્યાર્થિની નિકિતા બ્રિજેશકુમાર ગુપ્તાને માસ્ટર ઓફ કોમર્સમાં એકાઉન્ટ, ફાઇનાન્સ અને ટેક્સેશનમાં પાંચ ગોલ્ડ મેડલ મળ્યા છે. નિકિતાનું કહેવું છે કે એવી કોઇ ખાસ તૈયારી કરતી નહતી. એક્ઝામ વખતે રોજ ચાર પાંચ કલાકનું વાંચન કરતી હતી. ધો.૧૦, ૧૧ અને ૧૨માં પણ ટોપર્સ રહી છું અને ગોલ્ડ મેડલ મેળવ્યા છે. મારા મમ્મી હાઉસ વાઇફ છે પપ્પા બરોડા ડેરીમાં જોબ કરે છે
જ્યોતિષ અને વેદ અભ્યાસ માટે મે સંસારનો પણ ત્યાગ કર્યો
સંસ્કૃત મહાવિદ્યાલયના ૩૮ વર્ષના વિદ્યાર્થિની રૃપા પટણીએ બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે. મહાવિદ્યાલયમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ તેઓએ મેળવ્યા છે. જ્યોતિષ આચાર્ય અને વેદ આચાર્ય અભ્યાસક્રમમાં તેમણે આ મેડલ મેળવ્યા છે. રૃપા કહે છે કે જ્યોતિષ અને વેદ મારા પસંદગીના વિષય છે. તે માટે મે અભ્યાસમાં મારી જીંદગીના ૭ વર્ષ આપ્યા અને અભ્યાસ માટે મે સંસારનો ત્યાગ પણ કર્યો છે.