એક મહિલા કર્મચારી દ્વારા સિવિલના અધિકારીને 'તમે વધારે દારૃ પીવો છો' એમ કહેવાતા હોબાળો મચ્યો
- રોષે
ભરાયેલા અધિકારીએ મહિલા કર્મચારીને ખખડાવીને તરત હકીકત જાણવા બેઠક બોલાવી : મુદ્દો
ચર્ચાસ્પદ બન્યો
સુરત :
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને દારૃડિયાઓ જશન મનાવવા થનગની રહ્યા હતા તેવા સમયે સુરત સિવિલમાં દારૃનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. હોસ્પિટલના એક અધિકારીને મહિલા કર્મચારીએ તમે વધારે દારૃ પીવો છો એમ કહેતા હોબાળો મચ્યો હતો.
સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલમાં ચાર-પાંચ દિવસ પહેલા એક મહિલા કર્મચારી ફરજ પર હાજર હતી. તે સમયે પોતાના ઉપરી અધિકારીને તમે વધારે દારૃ પીવો છો એમ કહેતા જ અધિકારી રોષે ભરાયા હતા. આ અધિકારીએ મહિલા કર્મચારીને ખખડાવીને પૂછયું કે, તને કોણે કહ્યું ? ત્યારે મહિલા કર્મચારીએ જવાબ આપ્યો કે, સિવિલના એક પુરૃષ કર્મચારીએ કહ્યું હતુ. આવા સંજોગોના લીધે સિવિલ હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ પુરૃષ કર્મચારી શહેરની મહિલા કોર્પોરેટરનો પરિચિત હોવાથી પોતાની મનમાની કરતો હોવાનું સુત્રોએ કહ્યું હતુ. દરમિયાન મહિલા કોર્પોરેટરને સિવિલ ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ અંગે હકીકત જાણવા માટે સિવિલના અધિકારીએ તાત્કાલિક બેઠક યોજી હતી. જેમાં સિવિલના અધિકારી અને અન્ય અધિકારી, કર્મચારીઓ સહિતનાએ હાજર રહીને ચર્ચા કરી હતી.
નોધનીય છે કે, મહિલા કર્મચારીને પોતાના ઉપરી અધિકારીઓ સાથે કઈ રીતે વાતચીત કરવી તે અંગે ભાન ન હતુ અને તેણે કંઇ રીતે વર્તન કરવુ તેનું પણ ધાન્ય રાખ્યુ ન હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ. આ મુદ્દો સિવિલમાં ચર્ચાના એરણે ચઢ્યો છે.