બોરસદ પાલિકામાં સુવિધા માટેના સિવિક સેન્ટરથી લોકોને અસુવિધા
તા. 25મી ડિસેમ્બરે ઉદ્ધાટન બાદ બીજા દિવસથી હાલાકી
ટોકન- રિસિપ્ટ ન અપાતા ફરિયાદ સંદર્ભે તપાસ માટે વિભાગોના ધક્કા ખાવા નગરજનો મજબૂર
ખેડા-આણંદ : બોરસદ પાલિકામાં રૃા. ૨૦ લાખથી વધુના ખર્ચે બનેલા સિટી સિવિલ સેન્ટરનું તા. ૨૫મીએ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યા બાદ બીજા દિવસથી વિવિધ ફરિયાદો સંદર્ભે નગરજનોને અસુવિધા પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. સેન્ટરમાંથી રિસિપ્ટ કે ટોકન નહીં અપાતા ફરિયાદ સંદર્ભે તપાસ માટે વિવિધ વિભાગોના ધક્કા ખાવા નગરજનો મજબૂર બન્યા છે.
બોરસદ પાલિકા સિટી સિવિક સેન્ટરમાં અમદાવાદની સિલ્વર ટચ કંપની દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ૯ કર્મચારીઓ કામગીરી કરે છે. રસ્તા, સફાઈ- ગટરની સમસ્યા, ટેક્સ, વિવિધ દાખલાઓ માટે સેન્ટરમાં ઓનલાઈન ફરિયાદની કામગીરી કરાય છે પરંતુ, સેન્ટરના સ્ટાફમાં કામગીરીની જાણકારીના અને એજન્સી દ્વારા જવાબદારીના સ્પષ્ટીકરણના અભાવે બોરસદનાા નગરજનોને પોતાની ફરિયાદોની રિસિપ્ટો કે ટોકન મળતા નથી. જેથી ફરિયાદ સંદર્ભે તપાસ કરવા જતાં વિવિધ વિભાગોમાં ધક્કા ખાવા લોકો મજબૂર બન્યા છે. જેથી સુવિધાઓ માટે ઉભા કરેલા સિટી સિવિક સેન્ટરથી નગરજનોને અસુવિધાઓ પડી રહી છે. બોરસદ પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા મિશન હેઠળ કોન્ટ્રાક્ટ હેઠળ ૩૦ સફાઈ કામદારોની ભરતી સાથે ૬ ગારબેજ વાન લવાઈ હતી. ત્યારે હાલ શહેરમાં માત્ર કચરો ઉઘરાવવાની જ કામગીરી થઈ રહી છે. સોસાયટીઓમાં કચરો વાળવાની કામગીરી થતી જ નથી. બોરસદ સિટી સિવિક સેન્ટરમાં સફાઈ અને કચરા સંદર્ભે વ્યાપક ફરિયાદો થઈ છે પરંતુ, તેનો નિકાલ થયો કે નહીં તે અંગે અરજદારોને સ્પષ્ટ માહિતી મળતી નથી.
બોરસદ પાલિકાના સફાઈ વિભાગના ધવલભાઇ રબારીએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં કચરો વાળવા માટે માણસોની ફાળવણી કરાઈ નથી. નવા સ્ટાફ પછી સોસાયટી વિસ્તારમાં વાળવાની કામગીરી શરૃ કરાશે. સિટી સિવિક સેન્ટરના સુપરવાઈઝરે જણાવ્યું છે કે, હજૂ સ્ટાફ નવો છે, ફરિયાદો લઈ ઓનલાઈન સંબંધિત વિભાગમાં ટ્રાન્સફર કરી ઉકેલ બાદ નોંધ પણ કરીએ છીએ પરંતુ, ફરિયાદ સંદર્ભે ટોકન કે રિસિપ્ટ આપવા મુદ્દે એજન્સીમાંથી અમને કોઈ માહિતી અપાઈ નથી માટે અમે આપતા પણ નથી.