ડુમસ બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ બાદ સિટી સરવે સુપ્રિ. 29 દિવસની રજા પર, સરકારના આંખ આડા કાન
Dumas bogus property card scam : સુરતના ડુમસ અને વાટાની અંદાજિત પાંચ હજાર કરોડની જમીનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાડમાં જેના લોગ ઇન આઇડીથી પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા. તે તત્કાલીન સીટી સર્વે સુપરિટેન્ડન્ટ અનંત પટેલ વધુ 31 મી જાન્યુઆરી સુધી રજા પર ઉતરી ગયા છે. બે તબક્કામાં 28 દિવસની રજા અને સીઆઇડી ક્રાઇમે ગુનો નોંઘ્યાના 19 દિવસ બાદ પણ ગાંધીનગર સેટલમેન્ટ કચેરી કે સરકાર તરફથી અધિકારી વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
અનંત પટેલ સામે ગાંધીનગર સેટલમેન્ટ કચેરી કે સરકાર તરફથી કાર્યવાહી નહીં
સુરતના ડુમસના બ્લોક નં.815, 801/2, 803, 823, 787/2 અને વાટા ગામના બ્લોક નં.61 મળી અંદાજે 2 લાખથી વધુ ચોરસમીટર જમીનમાં આવેલા 351 પ્લોટના બોગસ પ્રોપ્રટી કાર્ડ બનાવી દેવાયા હતા. સને-2019માં સરકારે પ્રોપર્ટી કાર્ડ આપવા માટે શરૂ કરેલી ઝુંબેશ દરમિયાન આ કૌભાંડ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે જમીનો બિનખેતીનો (એન.એ) હુકમ હોવાનો જરુરી છે. જોકે, આ બ્લોક નંબરની જમીનો બિનખેતી થઇ નહોતી. જોકે, જિલ્લા પંચાયત, સુડા અને જિલ્લા કલેકટર કચેરીમાં જમીન એન.એ કરાવવા માટે ફાઇલો મુકવામાં આવી છે. આ ફાઇલમાં પૂર્તતા માટે લેટર અપાયો હતો. આ જ લેટરને બિનખેતીનો હુકમ ગણીને આ 351 બોગસ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી દેવાયા હતા.
આ તમામ પ્રોપર્ટી કાર્ડ જે તે વખતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલના લોગ ઇન આઇ.ડીથી જનરેટ થયા હતા. જેથી સીઆઇ ક્રાઇમે અનંત પટેલ તેમજ તત્કાલિન ઉપરી અધિકારી કાન પોસ્લાભાઇ ગામીત વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. દરમિયાન બોગસ પ્રોપર્ટી કાર્ડ અંગે આઝાદ સી. રામોલીયાની ફરિયાદ અંતર્ગત સીઆઇડી ક્રાઇમ, અમદાવાદે 2 જાન્યુઆરી, 2025ના રોજ અનંત પટેલ, કાના પોસ્લાભાઇ ગામીત અને સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
આ પણ વાંચો: પાણી પુરવઠા બોર્ડના ચાલુ ફરજે મૃત્યુ પામેલા કર્મીના વારસોને સહાય મળશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો
તે વેળા અનંત પટેલ લેન્ડ રેકર્ડ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. અને તા.13 જાન્યુઆરી સુધી રજા પર ઉતરી ગયા હતા. ત્યારબાદ તેમની સામેની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં ક્વોશિંગ પીટીશન કરી હતી. પણ હાઇકોર્ટનું વલણ જોતા પરત ખેંચી લીધી હતી. જેથી હવે સીઆઇડી ક્રાઇમ ધરપકડ કરે તેમ જણાતા તા.31 જાન્યુઆરી સુધી રજા પર ઉતરી ગયા છે.
આમ અનંત પટેલે બે તબક્કામાં 28 દિવસની રજા મુકી છે. બોગસ પ્રોપર્ટી કાર્ડ અંગે સીઆઇડી ક્રાઇમે ગુનો નોંઘ્યાના 19 દિવસ બાદ પણ ગાંધીનગર સેટલમેન્ટ કચેરી તરફથી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી અનંત પટેલ પર સરકારી તંત્રના ચાર હાથ હોવાની ચર્ચા છે. જ્યારે સમગ્ર કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા ફરિયાદ દાખલ કરાયા બાદ સરકાર તરફથી પણ કોઇ પગલા લેવાયા નથી તેથી કશુંક રંધાયું હોવાની ચર્ચાએ સરકારી કચેરીમાં જોર પકડયું છે.
અનંત પટેલ અને કાના ગામીત સીઆઇડીના હાથમાં આવ્યા બાદ ખુલાસો થશે
2019માં પ્રોપર્ટી આપવા માટે ઝુંબેશ વેળા જ બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યાનું જણાયું હતું. તે વેળા અનંત પટેલે આ બોગસ પ્રોપર્ટી કાર્ડ રદ કરવા ગાંધીનગર સેટલમેન્ટ કમિશ્નર કચેરીમાં રજૂઆત કરી હતી. તેમણે પોતાના લોગ ઇન આઇડીથી આ બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યાનું રજૂઆતમાં જણાવ્યું હતું. અનંત પટેલના લોગઇન આઇ.ડી થી તેમના ઉપરી અધિકારી અને સીઆઇડી ક્રાઇમે આરોપી બનાવ્યા છે તે કાના પોસ્લા ગામીતે પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હોવાની વાત છે. જોકે, બંને અધિકારીને આરોપી બનાવાયા છે ત્યારે સીઆઇડી ક્રાઇમ બંનેની પુછપરછ કરે ત્યારે વિગતો વધુ સ્પષ્ટ થશે.
અનંત પટેલની ચૂંટણી પહેલા બદલી અને ચૂંટણી પુર્ણ થયા બાદ ફરી લેન્ડ રેકોર્ડ કચેરીમાં જ નિમણૂંક
લોકસભાની ચૂંટણી વેળા ટાણે ત્રણ વર્ષથી વધુ સમય થયો હોય તેવા અધિકારીઓની બદલી થઇ ત્યારે અનંત પટેલ લેન્ડ રેકર્ડ અધિકારી તરીકે જ ફરજ બજાવતા હતા. જોકે તેમની એક સ્થળે ફરજના ત્રણ વર્ષ થવા આવ્યા હોવાથી તેમની બદલી થઇ ગઇ હતી. જોકે, ચૂંટણી સંપન્ન થયાના થોડા મહિનામાં જ ફરી સુરત લેન્ડ રેકર્ડ કચેરીમાં નિમણૂંક થઇ ગઇ હતી. એક સરકારી કચેરીમાંથી બદલી બાદ તે જ કચેરીમાં ટુંકા સમયમાં ફરી નિમણૂંક ઘણા ઓછા કિસ્સામાં બને છે.
સાયલન્ટ ઝોનમા 485 પ્લોટ પૈકી 304ની આકારણી દફતરે નોંધણી
જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ડુમસની કરોડો રૂપિયાની જમીનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં 351 જેટલા પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા પરંતુ સુરત મ્યુનિ.ના આકારણી દફતરે 304 પ્લોટ જ દાખલ કરવામા આવ્યા છે.
સમગ્ર પ્રકરણ બોગસ પ્રોપર્ટી કાર્ડનું હોવાથી પોલીસ અધિકારી સાથે મહેસુલ વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી લેવામાં આવી રહી છે. 351 બોગસ પ્રોપર્ટી કાર્ડ ડુમસ અને વાટાના બ્લોકનંબરોમાં બન્યા છે. જ્યારે સુરત મ્યુનિના. આકારણી ચોપડે 304 પ્લોટ દાખલ કરવામા આવ્યા છે.
સાયલન્ટ ઝોનમાં 485 પ્લોટ છે. તે પૈકી મ્યુનિ.ના આકારણી દફતરે અગાઉના રેકર્ડ પ્રમાણે 16 પ્લોટ કબ્જા રસીદથી દાખલ કરાયા છે. 288 પ્લોટ દસ્તાવેજ- ઈન્ડેક્સની નકલના આધારે દાખલ કરાયા છે. મ્યુનિ.ના આકારણી ચોપડે નોંધાયેલા પ્લોટમાંથી 81 પ્લોટમાં બાંધકામ જ્યારે 223 પ્લોટ ખુલ્લા બોલે છે.