સુરતમાં સિટી અને એસટી બસ અડફેટે આવતા વિદ્યાર્થી સહિત બેના મોત
- સ્કૂલે જતા ઉધનાના ધોરણ-11ના ગૌરવ બારડોલીયાએે બમરોલી રોડ અને 23 વર્ષના સાગર બહેરાએ ભેસ્તાન નહેર પાસે અકસ્માતમાં જીવ ગુમાવ્યો
સુરત, :
સુરત શહેરમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં સ્કૂલે જતી વખતે ઉધના રોડ પર આજે શનિવારે સવારે સિટી બસે મોપેડને ટક્કર મારતા ધો.૧૧ વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં શુક્રવારે સાંજે ભેસ્તાન ખાતે અચાનક યુવાનને એસ.ટી. બસે અડફેટે લેતાં મોતને ભેટયો હતો.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉધના ખાતે હરીનગર પાસે શક્તિ નગર સોસાયટીમાં રહેતા ૧૬ વર્ષીય ગૌરવ રાજેશ બારડોલીયા આજે શનિવારે સવારે અઠવા લાઈન્સ ખાતે એક્સપેરિમેન્ટલ સ્કુલમાં મોપેડ પર જવા માટે નીકળ્યો હતો. તે સમયે ઉધના બમરોલી રોડ આશાપુરી સોસાયટી પાસે સિટી બસે મોપેડને અડફેટે લીધી હતી. જેમાં તેને ગંભીર ઈજા થતાં ત્યાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. બાદમાં સ્થાનિકોએ ગૌરવના સ્કુલના આઈ-કાર્ડ દ્વારા તેમના પિતા રાજેશને જાણ કરી હતી. જેથી તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે તેના મોતના લીધે તેમના પિતા સહિત પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. જયારે ગૌરવ ધો.૧૧માં અભ્યાસ કરતો હતો. તેની એક બહેનનો લાકડવાય ભાઇ હતો. તેના પિતા હેલ્થ ક્લબમાં જીમ ટ્રેનર તરીકે કામ કરે છે. આ અંગે ઉધના પોલીસે બેસ ચાલક વિરુધ ગુન્હો નોધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં ભેસ્તાન ખાતે સિદ્ધાર્થનગરમાં રહેતો ૨૩ વર્ષીય સાગર પ્રકાશ બહેરા શુક્રવારે રાત્રે પિતરાઈ ભાઈ સાથે પગપાળા જઇ રહ્યો હતો. ભેસ્તાનમાં નહેર પાસે હોન્ડાના શો રૃમની સામે અચાનક તેને એસટી બસ ચાલકે અડફેટે લીધો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જયારે સાગર મુળ ઓરિસ્સાના ગંજામ વતની હતો. તે લુમ્સ ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ અંગે ભેસ્તાન પોલીસે એસટી બસના ચાલક વિરુધ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.