શહેરના સે-૪માં પીવાના પાણી માટે નાગરિકોને વલખા મારવાની નોબત
પાણી નહીં મળવાની સમસ્યાનો સામનો કરી રહેલા રહીશોની નિરાકરણ લાવવાની માંગ
રાજ્યના પાટનગરમાં તેમજ કોર્પોરેશન વિસ્તારમાં વસવાટ કરતા
રહીશોને અવારનવાર પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોય છે.બીજી તરફ ઘણી જગ્યાએ
પાઇપલાઇન લીકેજ થવાના કારણે અમૂલ્ય પાણીનો બગાડ પણ થતો હોય છે.તેને પણ અટકાવવા
માટે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી ન હોવાના કારણે ઘણા વિસ્તારોમાં
પાણીના પોકાર ઉઠતા હોય છે. ત્યારે
પાટનગરના સેક્ટર- ૪/બીમાં આવેલા વસાહતી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી પાણીની
પારાયણ શરૃ થઈ છે.ત્યારે આ વિસ્તારમાં પાઇપલાઇન નવી નાખવામાં આવી હતી તેમ છતાં
વસવાટ કરતા પરિવારોને પૂરતું પાણી મળી શકે તે માટે કોઈ આયોજન હાથ ધરવામાં નહિ આવતા
છેલ્લા ઘણા દિવસથી સ્થાનિકોને પૂરતા પ્રેશરથી પાણી મળી શકતું નથી.
જેના પગલે પ્રાથમિક જરુરિયાત એવા પાણીની સુવિધા મેળવવા માટે
વલખા મારવાની નોબત આવી છે.તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં તે અંગે કોઈ વ્યવસ્થા
ગોઠવવામાં નહીં આવતા હાલમાં પાણી માટે
આમતેમ ભટકવુ પડે છે.જેથી પૂરતા પ્રેશરથી પાણી રહીશોને પ્રાપ્ત થઈ શકે તે પ્રકારનું
આયોજન હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરાઇ છે.વસાહતી વિસ્તારમાં પૂરતું પાણી નહીં
આવતા નાછૂટકે રહીશોને ટેન્કર મંગાવીને જરૃરિયાત પૂરી કરવી પડે છે.