સિહોરમાં અનિયમિત પાણી વિતરણથી નાગરિકો ત્રસ્ત, કોંગ્રેસે રામધૂન બોલાવી
અઠવાડિયે-દસ દિવસે પાણી અપાઈ છે, તે પણ ડહોળું, દૂષિત અને પોરાવાળું
ત્રણ દિવસનું અલ્ટીમેટમ, ત્યારબાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવા ચિમકી ઉચ્ચારાઈ
સિહોર શહેરના દરેક વોર્ડમાં અનિયમિત પાણી વિતરણની સમસ્યા કાયમી બની છે. તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી જે પાણીનું વિતરણ કરવામાં આવે છે, તે દુર્ગંધયુક્ત, દૂષિત અને પોરાવાળું હોવાથી સિહોરવાસીઓ પીવાના પાણી માટે વલખા મારે છે. નગરપાલિકા તંત્રના અણધણ વહીવટના ભોગે લોકોને સાત કે દસ દિવસે પાણી વિતરણ થાય છેે. જેના કારણે નાગરિકોને પાણીની પળોજણ કાયમી ઉભી રહે છે. લોકો પાણી માટે લાચારી વેઠી રહ્યા હોવા છતાં ન.પા. તંત્રના પેટનું પાણી હલતું ન હોય, આ મામલે આજે શનિવારે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચીફ ઓફિસરની ઓફિસે જઈ અર્ધો કલાક સુધી રામધૂમ બોલાવવામાં આવી હતી અને સિહોરની ૮૦ હજારની જનતાને પીવાનું શુદ્ધ પાણી ૪ દિવસે આપવાની રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. જો આ પ્રશ્નનું ત્રણ દિવસમાં નિરાકરણ નહીં લાવવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.