કર્મચારીઓને લીવ એન્કેશમેન્ટ અને સરન્ડર લીવનું ચૂકવણું કરવા પરિપત્ર
- ભાવનગર સહિત રાજ્યના વિભાગીય નિયામકોને એસટી નિગમ દ્વારા
- એપ્રિલ-૨૫ સુધીમાં નિવૃત્ત કર્મીઓને પણ પગારમાં ફંડની માંગણી કરી પગાર તારીખમાં ચૂકવણું કરવાનું રહેશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કરવામાં આવેલ પરિપત્રમાં જણાવાયું હતું કે, સને ૨૦૨૩-૨૪ના વર્ષનું લીવ એન્કેશમેન્ટ તથા સરન્ડર લીવનું ચૂકવણું કરવામાં આવેલ છે અને સને ૨૦૨૪-૨૫ના વર્ષનું લીવ એન્કેશમેન્ટ તથા સરન્ડર લીવનું ચૂકવણું કરવાનું થાય છે. આ ચૂકવણાને અનુલક્ષીને કેટલીક સૂચના અપાઈ છે.
જે મુજબ કાર્યરત કર્મચારીઓ કે જેઓના સને ૨૦૨૪-૨૫ના વર્ષના લીવ એન્કેશમેન્ટ તથા તા. ૧-૩-૨૪થી ૨૮-૨-૨૫ના બ્લોક પીરિયડની સરન્ડર લીવના રજાના વહીવટી ઓડિટેડ હુકમો પ્રસિદ્ધ થયેલ છે અને જેઓને અગાઉ ચૂકવણું કરવામાં આવેલ ના હોય તેવા (ફેબુ્રઆરી-૨૫ સુધીના) તમામ કર્મચારીઓને ચાલુ માસના પગાર બીલમાં (એપ્રિલ-૨૦૨૫ પેઈડ ઈન મે-૨૦૨૫)માં ૫૦ ટકા મોંઘવારી ભથ્થા મુજબ ચૂકવણું કરવા જણાવાયું છે. એકમ/વિભાગ ખાતેથી એપ્રિલ-૨૫ સુધીમાં નિવૃત્ત થયેલ કર્મચારીઓને પણ તેઓના લીવ એન્કેશમેન્ટ તથા સરન્ડર લીવનું ચૂકવણું એપ્રિલ-૨૫ પેઈડ ઈન મે-૨૫ના પગારમાં ફંડની માંગણી કરી પગાર તારીખમાં ચૂકવણું કરવાનું રહેશે.
વિભાગ દ્વારા ખાસ કિસ્સામાં કે અન્ય કોઈપણ કારણસર કોઈ કર્મચારીને સને ૨૦૨૪-૨૫ના વર્ષનું લીવ એન્કેશમેન્ટ અને સરન્ડર લીવનું ચૂકવણું આ અગાઉ કરવામાં આવેલ હોય તો તેની ચકાસણી કરી પુનઃ ચૂકવણું ન થાય તેની તકેદારી રાખવાની રહેશે અને આવું કોઈ ચૂકવણું થશે તો તેની જવાબદારી જે-તે વિભાગની રહેશે. આ ઉપરાંત, પરિપત્રમાં અન્ય કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે, જે ધ્યાને લઈ સમગ્ર પ્રક્રિયા કરવાની રહેશે.