ફતેપુરા મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયો
દાખલો આપવા ત્રણ મહિનાથી ધક્કા ખવડાવી મંથન પરમારે રૃા.૫ હજાર લાંચ માંગી હતી
ફતેપુરા,દાહોદ તા.૧૦ ફતેપુરા મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર દારપણાનો દાખલો આપવા માટે રૃા.૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા તાલુકાની સરકારી કચેરીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના એક નાગરિકને દારપણાના દાખલાની જરૃરિયાત હોવાથી તેઓ મામલતદાર કચેરી ફતેપુરા જઈ દારપણાનો દાખલો મેળવવા કાકાના છોકરાના નામે મિલકત આવેલ હોય જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી મામલતદાર કચેરી ટપાલ શાખામાં તા.૨૫ ઓક્ટોબરના રોજ આપી હતી.
એક મહિના ઉપરાંતનો સમય થવા છતાં દારપણાનો દાખલો ન મળતા ફરીથી મામલતદાર કચેરી ફતેપુરા ખાતે ઓફિસમાં સુખસર વિસ્તારના સર્કલ ઓફિસર મંથન જીવાભાઇ પરમારને મળતા તેઓએ જણાવેલ કે, અરજીના કાગળો ક્યાંક મૂકાઈ ગયેલ છે જે શોધી કાઢી તમને જણાવીશ. ત્યારબાદ ફરીથી તા.૭ જાન્યુઆરીના રોજ મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઈ મળતાં સર્કલ ઓફિસરે અરજીમાં સુધારો તથા રૃા.૫૦નો સ્ટેમ્પ અને રૃા.૫ હજાર લઈ આવવા જણાવેલ.
લાંચની રકમ આપવી નહી હોવાથી મહીસાગર એસીબીને ફરિયાદ કરતા મદદનીશ નિયામક બી.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.એમ. તેજોતે સ્ટાફ સાથે લાંચનું છટકું ગોઠવી મામલતદાર ઓફિસમાં સર્કલ ઓફિસર મંથન પરમાર રૃા.૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો.