Get The App

સુરતમાં 'ડ્રગ્સ પાર્ટી' પર મોટી કાર્યવાહી, 9 વિદેશી સ્પા ગર્લ સહિત કુલ 14ની ધરપકડથી ખળભળાટ

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
સુરતમાં 'ડ્રગ્સ પાર્ટી' પર મોટી કાર્યવાહી, 9 વિદેશી સ્પા ગર્લ સહિત કુલ 14ની ધરપકડથી ખળભળાટ 1 - image


CID Crime Branch Raid in Surat: ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધતું જાય છે. અત્યાર સુધી દારૂની પાર્ટી સામાન્ય પરંતુ જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો છે, જેના લીધે હવે ડ્રગ્સ પાર્ટીઓ પણ સામાન્ય બનતી જાય છે. અંકલેશ્વરમાંથી 250 કરોડની કિંમતનું 427 કિલો ડ્રગ્સ ઝડપાયું છે, ત્યાં તો 24 કલાકમાં સુરતના મગદલ્લા વિસ્તારમાં ડ્રગ્સ પાર્ટીમાં સીઆઇડીએ રેડ પાડી સ્પા ગર્લ સહિત 14 લોકોની ધરપકડ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે મગદલ્લા વિસ્તારમાં આવેલા અમિતકુમાર યાદવ નામના યુવકના મકાનમાં રેડ પાડી હતી. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ મકાનમાં દારૂ અને ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. આ રેડમાં 9 વિદેશી યુવતીઓ અને 5 યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં જમીન દલાલ, એન્જિયર સહિતના નોકરિયાત લોકો પાર્ટીમાં જોડાયા હતા. આ પાર્ટીમાં નવ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ, 20 ગ્રામથી વધુ ગાંજો અને સાત જેટલી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. આ તમામને મેડિકલ ટેસ્ટ માટે સુરત સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. 

સુરત સીઆઇડી ક્રાઇમે ડ્રગ્સનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મેડિકલ ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોના દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું. વિદેશી યુવતીઓને કોણે બોલાવી હતી વગેરેને પ્રશ્નોના જવાબ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરુ કરાશે. 

આ પણ વાંચો: ગુજરાત બન્યું ડ્રગ્સનું એપિસેન્ટર, અંકલેશ્વરની ફેક્ટરીમાં ઝડપાયું 250 કરોડની કિંમતનું 427 કિલો ડ્રગ્સ

ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ

ડ્રગ્સની બદીને નાથવા માટે પૂરતો પોલીસ ફોર્સ પણ નથી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશના પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે 196 પોલીસ જવાન હોવા જોઈએ. અત્યારે ગુજરાતમાં પ્રતિ લાખ માત્ર 117 પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. 

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો

મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા પ્રમાણે રાજ્યના 17 લાખ 35000 પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે 1 લાખ 85 મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. આ જ દર્શાવે છે કે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે. 

આ પણ વાંચો: તમારું સંતાન વિદેશમાં ભણે છે તો તમને પણ આવી શકે છે 'સીબીઆઇ'નો ધમકીભર્યો ફોન, ચેતી જજો

5 વર્ષમાં ગુજરાતમાં ઝડપાયું  93691 કિલો ડ્રગ્સ

રાજ્યમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે ભાજપ સરકાર વાહવાહી લૂંટે છે, પરંતુ પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. આજે ગુજરાત જાણે નશાખોરીનું એપિસેન્ટર બની રહ્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. આમ, ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે.



Google NewsGoogle News