વરાછામાં વર્લ્ડ કપની મેચો ઉપર રમાડાતા કરોડોના સટ્ટાનું રેકેટ સીઆઇડીએ પકડયું

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
વરાછામાં વર્લ્ડ કપની મેચો ઉપર રમાડાતા કરોડોના સટ્ટાનું રેકેટ સીઆઇડીએ પકડયું 1 - image



- પાકિસ્તાન-ન્યુઝીલેન્ડની મેચ પર સટ્ટો રમાડનાર પાસે નેપાળની કરન્સી મળીઃ માસ્ટર આઇડી આપનારના આઇડીમાં રૂ. 2.13 કરોડનું બેલેન્સ


સુરત


મોટા વરાછાના વીઆઇપી સર્કલ પાસેથી સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલે વર્લ્ડ કપની પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ સહિતની મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાડનારને ઝડપી પાડી રૂ. 33,500 નો મુદ્દામાલ કબ્જે લીધો છે. જયારે પ્રાથમિક તપાસમાં માસ્ટર આઇડી આપનારની આઇડીમાં રૂ. 2.13 કરોડની બેલેન્સ હોવાનું જણાતા પોલીસ પણ ચોંકી ગઇ છે.

ગુજરાત સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલને મળેલી બાતમીના આધારે પીઆઇ સુનીલ તરડે અને પીએસઆઇ અનિરૂધ્ધ ઇશરાણીની ટીમે મોટા વરાછાના વીઆઇપી સર્કલ નજીક પંડિતના પાનના ગલ્લા પાસેથી હરેશ રણછોડ મકવાણા (રહે. માધવપાર્ક, ઉત્રાણ રેલવે સ્ટેશન સામે, ઉત્રાણ) ને ઝડપી પાડી તેની પાસેથી બે મોબાઇલ ફોન, મોપેડ, રોકડા રૂ. 3500 અને નેપાળની કરન્સી મળી આવી હતી. પોલીસે હરેશના બંને મોબાઇલ ચેક કરતા www.pavanexch.com અને www.galaxyexch99.com નામની મોબાઇલ એપ્લિકેશનમાં વર્લ્ડકપની પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ ઉપર સટ્ટો રમાડતો હતો અને તેના માસ્ટર આઇડીમાં રૂ. 1.90 કરોડની બેલેન્સ હતી. આ માસ્ટર આઇડી કિશન ઉર્ફે બ્રિજેશ ઉર્ફે કાનો સુદામા મનસુખ મારવણીયા (રહે. રઘુનંદન એપાર્ટમેન્ટ, યમુના ચોક, મોટા વરાછા અને મૂળ રહે. નાનડીયા, તા. બાટવા, જૂનાગઢ) મેળવ્યાની અને તેના આઇડીમાં રૂ. 2.13 કરોડની બેલેન્સ હતી. આ ઉપરાંત હરેશના બીજા મોબાઇલમાંથી www.urban999.com નામની એપ્લિક્શનમાં પણ આઇડી મળી આવ્યું હતું અને તે આઇડી સોહેલ હિંગોળા (રહે. મહુવા, ભાવનગર) પાસેથી મેળવ્યાનું અને તેમાં રૂ. 2.66 લાખની બેલેન્સ હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે કિશન ઉર્ફે બ્રિજેશ અને સોહેલ હિંગોળાને વોન્ટેડ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે કિશન ઉર્ફે બ્રિજેશ પાસેથી www.pavanexch.com એપ્લિકેશનમાં હરેશના માસ્ટર આઇડીની અંદર જુદા-જુદા નામની આઇડીમાં રૂ. 5 લાખથી રૂ. 85 લાખ સુધીની બેલેન્સ હોવાનું તથા વ્હોટ્સએપ સટ્ટાના હાર-જીતના હિસાબ અને આર્થિક વ્યવહારની ચેટ પણ મળી આવી હતી. પોલીસે મોપેડ, રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. 33,500 નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

કયા માસ્ટર આઇડીમાં કેટલાની બેલેન્સ ?

હરેશ મકવાણાએ કિશન મારવણીયા પાસેથી www.pavanexch.com નો માસ્ટર યુઝર્સ અને પાસવર્ડ મેળવી પોલીસે આઇડી ઓપન કરતા તેમાં DJ1402as રૂ. 85,00,000, BAKALI8512 રૂ. 20,00,000, DHADMA52 રૂ. 10,00,000, THAN752 રૂ. 20,00,000, MAYUR2073 રૂ. 5,00,000, AKT4979 રૂ. 20,00,000, PNB824 રૂ. 15,00,000, 1407230 રૂ. 5,00,000 અને TELEGRAM8 રૂ 10,00,000 નામની માસ્ટર આઇડી મળી આવી હતી. જેમાં લાખ્ખો રૂપિયાની બેલેન્સ હતી.

ઓનલાઇન સટ્ટા માટે માસ્ટર આઇડી લેનારને ગોવા, નેપાળ સહિતના દેશમાં કસીનોની ઓફર

ભારતમાં હાલ વર્લ્ડકપ રમાય રહ્યો છે અને દરેક દેશ વચ્ચેની મેચ રોમાંચિત કરી રહી છે. તેવા સંજોગોમાં ઓનલાઇન સટ્ટો રમાડનારને બખ્ખા થઇ ગયા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ઓનલાઇન સટ્ટામાં સટ્ટો રમાડવા માટે જે લોકો માસ્ટર આઇડી લે છે તેમને બુકી દ્વારા ગોવા, નેપાળ, દુબઇ સહિતના વિદેશના દેશોમાં કસીનોની ઓફર કરવામાં આવે છે. હરેશે પણ માસ્ટર આઇડી લીધી હોવાથી તેની પાસેથી જે નેપાળની કરન્સી મળી છે તે જોતા તેણે નેપાળની ટુર માણી હોવાની શકયતા છે.


Google NewsGoogle News