Get The App

ભાવનગર શહેર-જિલ્લામાં નાતાલના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
ભાવનગર શહેર-જિલ્લામાં નાતાલના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરાઈ 1 - image


- મનોહર રોશનીની આકર્ષક સજાવટથી ચર્ચ સંકુલો ઝળહળી ઉઠયાં

- ચર્ચમાં માસ પ્રેયર બાદ ખ્રિસ્તીબંધુઓ ટેલેન્ટ ઈવેન્ટ સહિતના કાર્યક્રમોમાં સહભાગી થયા : પરસ્પર નાતાલની શુભેચ્છા પાઠવી

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં ક્ષમાના મહાપર્વ નાતાલના તહેવારની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપુર્ણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગોહિલવાડના તમામ ચર્ચોમાં બહોળી સંખ્યામાં ખ્રિસ્તીબંધુઓ ઉમટી પડયા હતા. માસ પ્રેયર બાદ સૌ કોઈએ પરસ્પર મેરી ક્રિસમસની શુભકામનાની આપ-લે કરી હતી.

ગોહિલવાડમાં ઈસાઈ સમુદાય દ્વારા ૨૦૨૪ ના વર્ષના અંતિમ તહેવાર નાતાલની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક અલગ અલગ વિસ્તારોમાં ઈસાઈ સમાજ પોતપોતાની આગવી પરંપરાઓ એવમ અલાયદા રિતરિવાજો અનુસાર અનન્ય શ્રધ્ધા,ભકિત તેમજ નિષ્ઠા સાથે મિડનાઈટ માસ પ્રેયર સહિતના અનેક કાર્યક્રમોમાં ભાવ અને ભકિતમય માહોલમાં સહભાગી થયો હતો. ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં રોમન કેથોલિક, મેથોડિસ્ટ અને પ્રોટેસ્ટન્ટ સહિતના અલગ અલગ પંથો સાથે સંકળાયેલા ખ્રિસ્તી પરિવારો દ્વારા તેઓના આ વર્ષના સૌથી મોટા અને પાવનકારી તહેવાર નાતાલ ક્રિસમસના ઉપલક્ષમાં ભાવનગર શહેર અને જિલ્લાના તમામ ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે ભજન, કેરોલ સોંગ્સના ગાન બાદ ગેપરીંગ, પારિવારિક મુલાકાતો, ટેલન્ટ ઈવેન્ટ તેમજ ભોજન સહિતના કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ. તો વળી કેટલાક સ્થળોએ તો ચર્ચમાંથી ફાધરના મેસેજીસ અને નાતાલના સોંગ્સનું સોશ્યલ મિડીયા પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યુ હતુ. બાદ ખ્રિસ્તીબંધુઓએ આ નિમીત્તે એકમેકને હેપી મેરી ક્રિસમસ કહીને પરસ્પર શુભકામનાની આપ-લે પણ કરી હતી.ક્રિસમસના તહેવારને અનુલક્ષીને શહેરના તમામ કેક શોપમાંથી હજજારો કિલો કેક, ચોકલેટ અને પેસ્ટ્રી સહિતની ખાદ્ય સામગ્રીઓનું વેચાણ કરાયુ હતુ. આ તહેવારને લઈને શહેરના વાઘાવાડી રોડ પરના મોલ, બ્રાન્ડેડ શોરૂમ, કેકશોપ, ગીફટશોપ ઉપરાંત ચર્ચમાં તેમજ ખ્રિસ્તી પરિવારોને ત્યાં ડેકોરેટેડ ક્રિસમસ ટ્રી, સ્ટાર, પ્રભુ ઈસુના જન્મોત્સવનો ફલોટ, માતા મેરી, પારણુ, સાંતા કલોઝ, દેવદૂત, ગમાણના ફલોટ અને ઝાંખી તેમજ ઝળહળતી વિદ્યૃત રોશનીની ચિત્તાકર્ષક સજાવટ, સુશોભન અને શણગાર કરાયા છે. જે ડેકોરેશન હજુ આગામી તા.૩૧ ડિસેમ્બર ને મંગળવાર સુધી યથાવત રહેશે. ક્રિસમસથી ન્યુ યર એટલે કે, આગામી તા.૩૧ ડિસેમ્બર સુધી ગોહિલવાડની ખાનગી અંગ્રેજી માધ્યમની પ્રાયમરી શૈક્ષણિક સંસ્થાઓમાં મીની ક્રિસમસ વેકેશન હોય ખ્રિસ્તી પરિવારો સહેલગાહે જવા નિકળી જશે.


Google NewsGoogle News