Get The App

ચોટીલા, અંબાજી ડુંગર ઉપર અને દ્વારકાધીશ મંદિરે સોમવારે હોળી

Updated: Mar 1st, 2023


Google NewsGoogle News
ચોટીલા, અંબાજી ડુંગર ઉપર અને દ્વારકાધીશ મંદિરે સોમવારે હોળી 1 - image


તિથિએ ફરી સર્જી મ્હોંકાણ, હોળી-ધુળેટી ક્યારે તેની મુંઝવણ શાસ્ત્રીઓના મતાનુસાર સોમવાર  તા. 6ના સાંજથી પુનમ હોવાથી તે દિવસે જ હોળી,મંગળવારે સાંજે ધુળેટી શરૂ થતી હોય ત્યારે રંગોત્સવ હોળીમાં પણ ધોકો! દ્વારકામાં ધુળેટી-ફૂલડોલ બુધવારે ઉજવાશે, પરંતુ લોકો મંગળવારે રંગે રમશે, સરકારની ધુળેટી રજા બુધવારે

રાજકોટ, : આ વખતે તિથિ મૂજબ સોમવાર તા.૬ના સાંજથી મંગળવારની સાંજ સુધી પૂનમ હોય હોળી-ધુળેટીના તહેવાર ઉજવવા ભારે મુંઝવણ લોકોમાં સર્જાઈ છે ત્યારે આજે સૌરાષ્ટ્રમાં જ્યાં હોળીનું અદકેરૂં મહત્વ છે અને લોકો જેને અનુસરતા હોય છે તે પ્રસિધ્ધ સ્થળોનો સંપર્ક સાધતા (1) ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે અને (2) જુનાગઢ ગીરનાર પર અંબાજી માતાજીના મંદિરે કે જ્યાં હોલિકાદહન પછી સમગ્ર જુનાગઢ સોરઠ પંથકમાં હોળી પ્રગટાવવાની પરંપરા છે અને (3) દ્વારકાધીશ અને આસપાસના મંદિરોમાં સોમવાર તા.6ના હોળી પ્રગટાવાશે. નાથદ્વારામાં પણ તા.૬ના હોલિકાદહન થશે. 

પરંતુ, દ્વારકાધીશના જગપ્રસિધ્ધ ફૂલડોલ મહોત્સવ કે જેમાં લાખો લોકો ઉમટતા હોય છે તે મંગળવારને બદલે બુધવાર તા. 8ના ઉજવાશે. આમ, પ્રથમવાર હોળી-ધુળેટી વચ્ચે પણ ધોકો આવતા લોકોમાં મુંઝવણ સર્જાઈ છે. જો કે રાજકોટના શાસ્ત્રીઓનો સંપર્ક સાધતા જણાવાયું કે આ વખતે ફાગણ સુદ પુનમ તા. 6 માર્ચે સાંજથી શરૂ થાય છે તેથી તે જ દિવસે હોળી ઉજવવી જોઈએ અને તા. 7 માર્ચ મંગળવારે સાંજથી ધુળેટી શરૂ થાય છે તેથી મંગળવારે જ ધુળેટી ઉજવાશે. 

બીજી તરફ, રાજ્ય સરકાર અને મહાપાલિકાના કેલેન્ડરમાં ધુળેટીની જાહેર રજા તા. 8 માર્ચે બુધવારે રખાઈ છે તેમ મનપાના સૂત્રોએ જણાવ્યું હતું. આ પહેલા દિવાળીમાં તો વારંવાર ધોકા આવતા રહ્યા છે, નવરાત્રિમાં પણ તિથિની મૂુશ્કેલી સર્જાયેલી હોય છે ત્યારે લાખો,કરોડો લોકો જે પર્વને ખૂબ શ્રધ્ધા અને ઉત્સાહથી ઉજવતા હોય છે તેમાં શાસ્ત્રીજીઓ,પંડિતો,જ્યોતિષીઓએ એક થઈને એક દિવસ નક્કી કરીને જાહેર કરવો જોઈએ તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી હતી. 



Google NewsGoogle News