Get The App

ગુજરાતમાં અનેક લોકો સાથે ઠગાઇ કરનાર વડોદરામાં બરમૂડો પહેરી ભાગતો ભેજાબાજ ચિંતન પટેલ ઝડપાયો

ભરૃચની પોલીસને જોઇ ચાર મકાનના ધાબા કૂદી ચાલુ રિક્ષામાં બેસી ભાગવા જતાં જ દબોચી લેવાયો

Updated: Jan 31st, 2025


Google News
Google News
ગુજરાતમાં અનેક લોકો સાથે ઠગાઇ કરનાર  વડોદરામાં બરમૂડો પહેરી ભાગતો ભેજાબાજ ચિંતન પટેલ ઝડપાયો 1 - image

ભરૃચ  તા.૩૧ ભરૃચમાં રાજકીય અગ્રણી મહિલાના ફોટા એડિટ કરી વાયરલ કરવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં કોર્ટમાં હાજર ન રહેનાર ભેજાબાજ ચિંતન પટેલને કોર્ટે સતત બીજી વખત વોરંટ કાઢીને સાયબર ક્રાઇમ પોલીસને આપતા પોલીસે આરોપીને ઝડપી પાડવા વડોદરામાં ધામા નાખતા પોલીસને જોઈ ચિંતન પટેલ વડોદરામાં ચાર મકાનના ધાબા કૂદી ચાલુ રિક્ષામાં બેસી ભાગવા જતા આખરે પોલીસે ચિંતન પટેલને પહેરેલા કપડે ઝડપી પાડી ભરૃચ લાવી કોર્ટમાં રજૂ કર્યો હતો.

ભરૃચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં મહિલા અગ્રણીએ એક ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેણે આક્ષેપ કર્યા હતા કે મારા ફોટાનો દુરુપયોગ કરી તેને એડિટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરી ત્રાસ આપે છે અને મારી રાજકીય કારકિર્દી ખતમ કરી દેવાનું કાવતરું રચે છે. જે તે સમયે પોલીસે ચિંતન પ્રભુદાસ પટેલને ઝડપી પાડી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટમાં કેસ દરમિયાન ચિંતન પટેલ કોર્ટમાં હાજર ન રહેતા આખરે કોર્ટ દ્વારા સીઆરપીસી મુજબનું ધરપકડ વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યું હતું.

દરમિયાન પોલીસે તેની શોધખોળ હાથ ધરી વડોદરામાં ધામા નાંખ્યા હતાં. વડોદરામાં એક રિક્ષા ચાલકના ઘરમાં સંતાયો હોવાની માહિતીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બૂટ પરથી ચિંતન ઘરમાં જ હોવાની શંકા જતા તપાસ હાથ ધરી હતી. પોલીસને જોઈ ચિંતન પટેલ આજુબાજુના ચાર મકાનોના ધાબા કૂદી ચાલુ રિક્ષામાં બેસી ભાગવા જતા પોલીસે તેનો પીછો કરી ફિલ્મી ઢબે ઝડપી પાડી બરમૂડા અને ટીશર્ટ ઉપર જ ભરૃચના પોલીસ સ્ટેશનમાં લાવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પણ તેને ભરૃચ સબજેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો હતો.

ચિંતન પટેલને સબજેલમાં ધકેલી દેવાયો હોવાની માહિતી બોરસદ પોલીસને મળી હતી. બોરસદ પોલીસમાં પણ ચિંતન પટેલ સામે તાજેતરમાં પાસપોર્ટ કઢાવવા સહિત વિઝાના બહાને મોટી રકમ પડાવી હોવાની ફરિયાદ નોંધાયેલી હોવાથી બોરસદ પોલીસે ટ્રાન્સફર વોરંટથી ભેજાબાજ ચિંતન પટેલનો કબજો મેળવ્યો  હતો. 



Tags :
chintanpatelarrested

Google News
Google News