આણંદ જિલ્લામાં ચાઈનીઝ દોરીએ યુવકનો જીવ લીધો : બાળકને પતંગ પકડવા જતા મોત મળ્યું
- ઉત્તરાયણનો તહેવાર બે પરિવાર માટે માતમમાં ફેરવાયો
- પામોલ- બોદાલ રોડ પર ટુવ્હીલર ચાલક યુવકના ગળામાં દોરી ફસાઈ ગઈ : સુંદણ ગોહિલપુરામાં પતંગ લૂંટવા ગયેલા 11 વર્ષના બાળકને ઝાટકા મશીનનો કરન્ટ લાગ્યો
આણંદના સુંદણ ગોહિલપુરા વિસ્તારમાં ઉતરાયણ પર્વે ખેતરમાં પતંગ લૂંટવા જતાં એક ૧૧ વર્ષનો સચીન અશોકભાઈ ગોહેલ ઝાટકા મશીનના તારને અડી ગયો હતો. પરિણામે બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં વાસદ પોલીસે બાળકની લાશને વાસદ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. ઝાટકા મશીનમાં સીધું વીજ જોડાણ આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ પરિવારે લગાવ્યો હતો.
બોરસદના ઢુંઢાકુવા ગામે રહેતો સતિષ પટેલ (ઉં.વ.૨૪) વાસી ઉતરાયણની ઉજવણી માટે મામાના ઘરે બોદાલ ગામ જવા ટુવ્હીલર લઈને નીકળ્યો હતો. બુધવારે વહેલી સવારે પામોલ-બોદાલ રોડ પર અચાનક પતંગની ચાઈનીઝ દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી. ઘાતક દોરી ગળાના ભાગે ઉંડે સુધી ઘૂસી જતાં યુવક રોડ પર પટકાયો હતો. ઉંડો ઘા પડી જવાના કારણે મોટા પ્રમાણમાં લોહી વહી ગયું હતું.
અકસ્માતને પગલે આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા. ૧૦૮ને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત ટુવ્હીલર ચાલકને બોરસદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જોકે, તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
બાળક અને યુવકના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં જિલ્લામાં ચાઈનીઝ દોરીનો બેફામ ઉપયોગ થતાં માનવ સહિત પશુઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચાઈનીઝ દોરીના આંગળીના વેઢે ગણી શકાય તેટલા ફીરકા સાથે શખ્સોને ઝડપી આણંદ જિલ્લા પોલીસે કામગીરીનો સંતોષ માન્યો હતો, ચાઈનીઝ દોરીની આયાત કરનારા મોટા માથાઓની સામે કાર્યવાહી કરવાની પોલીસની નિષ્ક્રિયતાના કારણે પશુઓ સહિત માણસોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ ઉઠયા છે.