સુરેન્દ્રનગર જિલ્લામાં બે જગ્યાએથી ચાઈનીઝ દોરી ઝડપાઇ
- પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરીનું વેચાણ
- ધ્રાંગધ્રામાંથી 3, વિઠ્ઠલગઢમાંથી ચાઈનીઝ દોરીની 4 ફિરકીઓ સાથે બે ઝડપાયા
ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ-અલગ જગ્યાએથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે શખ્સ ઝડપાયા છે. ધ્રાંગધ્રા પોલીસે રહેણાંક મકાનમાંથી અને લખતર પોલીસે વિઠ્ઠલગઢ ગામના રસ્તા પરથી ચાઈનીઝ દોરીની ફિરકીઓ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
સરકાર દ્વારા એક તરફ લોકોના જીવને જોખમમાં મુકતી અને જીવલેણ ચાઈનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ પણ પ્રતિબંધ ફરમાવ્યો છે છતાં જીલ્લામાં જાહેરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ધ્રાંગધ્રા સીટી પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જુની ખરાવાડ હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ઈમરાનભાઈ અનવરભાઈ લધાણીને પોતાના રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની ત્રણ ફિરકી સાથે ઝડપી પાડયો હતો. પોલીસે જાહેરનામાના ભંગ બદલ સીટી પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી. જ્યારે બીજા બનાવમાં લખતર પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વિઠ્ઠલગઢ ગામે કલ્યાણપરા રોડ પર પાણીની ટાંકી પાસે ધર્મેશભાઈ પ્રવિણભાઈ શાહ (રહે.વિઠ્ઠલગઢ)ને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકી નંગ-૪ કિંમત રૂા.૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.