કાલથી ૩ દિવસ શિક્ષણ સમિતિનો બાળમેળો કમાટીબાગ ખાતે યોજાશે
૩૩ શૈક્ષણિક પ્રોજેક્ટ મૂકાયા : કૌન બનેગા જ્ઞાાનપતિ, મૂનવોકર્સ, મોગલી વોકનું આકર્ષણ
વડોદરા, વડોદરા મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ૨૪, ૨૫ અને ૨૬ જાન્યુઆરીના રોજ ''સયાજી કાર્નિવલ'' બાવનમા બાળમેળાનું કમાટીબાગ ખાતે આયોજન કરવામાં આવેલું છે.
૧૯૫૩માં બાળમેળાની શરૃઆત કરવામાં આવી હતી. આ બાળમેળાનું સમગ્ર સંચાલન બાળકો કરે છે. માત્ર બાળકો દ્વારા યોજાતો બાળમેળો સમગ્ર ભારતભરમાં સૌપ્રથમ છે. તા. ૨૪મીએ સવારે ૯ કલાકે બાળમેળો ખુલ્લો મૂકાશે. જે સવારે ૮ થી રાત્રિના ૮ સુધી જોઇ શકશે.
બાળ મેળાનું નવલું નઝરાણું - ''લેસર શો'' રહેશે. ભારત દેશના અમર ઐતિહાસિક પાત્રોમાંના એક એવા ''૧૮મી સદીના રાણી અહલ્યાબાઇ હોલકર દ્વારા શરૃ કરવામાં આવેલ કન્યા કેળવણીની જ્યોત સતત સળગતી રહે તે હેતુ ચરિતાર્થ કરતાં લેસર શોનું નિદર્શન'' કરવામાં આવશે. કૌન બનેગા જ્ઞાાનપતિ, અંતાક્ષરી અને ટેલેન્ટ હન્ટ પણ અનેરું આકર્ષણ જમાવશે. કઠપૂતળીનો ખેલ, કાર્ટુન કેરેક્ટર્સ, મુન વોકર્સ, મોગલી વોક જેવા આનંદ પ્રમોદના વિભાગો મુકેલા છે.
શિક્ષણ સમિતિની ૧૧૯ પ્રાથમિક શાળાો, ૧૦ માધ્યમિક શાળાઓ તથા ૯૭ બાલવાડીઓના ભૂલકાઓ દ્વારા શૈર્ય ગીત, ફોક ડાન્સ, ગરબા, રાસ, રાજસ્થાની નૃત્ય તથા મુક્ત ડાન્સ જેવી દરરોજ ૫૦ કૃતિઓ રજૂ થશે. બાળમેળામાં અલગ અલગ થીમ ઉપર ૩૩ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન આયોજન કરવામાં આવેલ છે જેમાં ''મહાકુંભ'', ''સમુદ્ર મંથન'', ''વૈદિક ગણિત'' ''ભારતીય રેલના વિવિધ સ્વરૃપો '' ''યાયાવર પક્ષીઓ'' ''શબ્દની ચમત્કૃતિ'' જેવા મુદ્દાઓની આવરી લેવાયા છે.
ઉદ્ધાટન સમારોહમાં બાળ પ્રમુખ તરીકે પૂ. રવિશંકર મહારાજ પ્રા. શાળાની વિદ્યાર્થિની બધેલ ખુશી વિશ્વજિતસિંહ, બાળ ઉદ્ધાટક પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંગ્રેજી પ્રા. શાળાની વિદ્યાર્થીની સોલંકી હાર્દિ મહેશભાઇ તથા સ્વામી દયાનંદ સરસ્વતી પ્રા.શાળા, સવારની વિદ્યાર્થિની શેખ તબસ્સુમ અહેમદઅલી રહેશે.