બચપન કોલિંગ ઈવેન્યુટ, વાઓએ સતોડિયુ, ખોખો જેવી દેશી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો
વડોદરાઃ પબજી અને ઈન્સ્ટાગ્રામ કલ્ચર વચ્ચે ઉછરી રહેલી યુવા પેઢીને બાળપણમાં રમાતી દેશી રમતો યાદ રહે તે માટે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ ખાતે બચપન કોલિંગ...નામની એક અનોખી ઈવેન્ટ યોજવામાં આવી હતી.
આ ઈવેન્ટના ભાગરુપે સતોડિયુ, લીંબુ ચમચી, ખો-ખો , સંગીત ખુરશી જેવી રમતોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ યુનિટના એસોસિએટ પ્રોગ્રામ ડિરેકટર ડો.શ્રધ્ધા બુધ્ધદેવના જણાવ્યા પ્રમાણે અમને આશા નહોતી તેના કરતા વધારે વિદ્યાર્થીઓએ આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે તૈયારી બતાવી હતી.૨૫૦ કરતા વધારે વિદ્યાર્થીઓનુ રજિસ્ટ્રેશન થુ હતુ.
તેમના કહેવા પ્રમાણે નાનપણની રમતોથી યુવાઓ વિખૂટા પડી ગયા છે.આજના બાળકોને તો સતોડિયુ, લંગડી, હાથ તાળી જેવી રમતોનો પરિચય સુધ્ધા નથી.આ રમતોને જીવંત રાખવી જરુરી છે.જે શરીરને એક પ્રકારે કસરત પણ કરાવે છે.દરમિયાન યુનિટ બિલ્ડિંગ ખાતે બચપણ કોલિંગ ઈવેન્ટ જોવા માટે અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પણ એકઠા થયા હતા.સ્ટુડન્ટસે તમામ દેશી રમતોની મજા માણી હતી અને આ જ પ્રકારની ઈવેન્ટસનુ આયોજન હવે અન્ય ફેકલ્ટીમાં પણ કરવુ જોઈએ તેવી લાગણી વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી હતી.