'ગુજરાતમાં બાળક 66,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે', બજેટ કરતાં દેવાનો આંકડો મોટો
Gujarat Budget 2025-26: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં કુલ રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ ફાળવણી પાછળ પણ રાજકીય ગણિત હોવાનું દેખાઈ રહ્યું છે. ગુરુવારે રજૂ કરવામાં આવેલા બજેટમાં ગુજરાતની પ્રજાને રૂ. 148 કરોડની નજીવી વેરારાહત આપવામાં આવી છે. પ્રજા પર કોઈ જ નવા વેરાનો બોજ નાખવામાં આવ્યો નથી પરંતુ ઐતિહાસિક બજેટ કરતાં ગુજરાતનું દેવું વધી ગયું છે. આજે ગુજરાતમાં જન્મ લેનાર પ્રત્યેક ગુજરાતી બાળક 66,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે. ગુજરાત રાજ્યનું જાહેર દેવું 3,77,963 કરોડને પાર પહોંચી ગયું છે. જેને લઈને વિપક્ષે સરકારને આડેહાથે લીધી છે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતના જાહેર દેવા અંગે પૂછેલા પ્રશ્નમાં સરકારે લેખિતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનું જાહેર દેવું 3,77,963 કરોડને પાર થયું છે. આ રકમ ગુજરાતના 2025-26ના બજેટ કરતાં પણ વધારે છે.
જાહેર દેવા પેટે ગુજરાત સરકારે વર્ષ 2023-2024માં બે વર્ષમાં વ્યાજ પેટે 25,212 કરોડ ચૂકવ્યા છે, અને રૂ. 26149 કરોડ મુદ્દલ ચૂકવી છે. જ્યારે નાણાકીય સંસ્થાની લોન 7 હજાર કરોડ, બજાર લોન 51 હજાર કરોડ તેમજ કેન્દ્રીય લોન 7 હજાર 634 કરોડની ચાલુ છે. જ્યારે 2022-2023ના વર્ષમાં ગુજરાત સરકારે જાહેર દેવા પેટે 23442 કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું જ્યારે 22159 કરોડની મુદ્દલ ચૂકવી દેવામાં આવી હતી.
ગુજરાત સરકારના જાહેર દેવા મુદ્દે કોંગ્રેસ સરકારે ભાજપને ઘેરતાં આકરાં પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિશાન સાધતાં કહ્યું હતું કે સરકારી નીતિ દેવું કરીને ઘી પીવા જેવી છે. 'સરકારે ઉત્સવો, તાયફા કરવા માટે લોન લઈને દેવું કર્યું છે. ગુજરાતની જનતા માથે સતત દેવું વધી રહ્યું છે. 6 કરોડની વસ્તી ગણીએ તો એ મુજબ પ્રતિ વ્યક્તિ પ્રતિ ગુજરાતીના માથે 66,000 રૂપિયાનું દેવું છે. આ મુજબ ગુજરાતમાં જન્મતું બાળક 66,000ના દેવા સાથે મોટું થાય છે.
એ જ રીતે 2025-26નો જે અંદાજ રજૂ કરવામાં આવ્યો છે તે મુજબ દેવું વધીને 4 લાખ 55 હજાર 537 કરોડ થશે. જ્યારે 2026-2027ના અંતે દેવું વધીને 4 લાખ 73 હજાર 651 કરોડ થશે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની આવકમાં અધધધધ વધારો થઈ રહ્યો હોવા છતાં તેની નાણાંકીય સ્થિતિ કથળી રહી છે. 2010માં 37000 કરોડ રૂપિયાના બજેટનું કદ આજે વધીને 3,70,250 કરોડ રૂપિયાનું થઈ ગયું હોવા છતાંય ગુજરાત દેવાના ડુંગર તળે કચડાઈ રહ્યું છે. રાજ્યની આવક કરતાં જાવક વધારે હોવાથી સતત દેવામાં ઊંડું ખૂપતું જ જશે. ગુજરાત આ દેવામાંથી ક્યારેય બહાર આવી શકશે નહીં. પરિણામે ગુજરાતના ગરીબો, બાળકો, મહિલાઓ અને શ્રમિકો તથા ગ્રામ્ય વિસ્તારના લોકોનું જીવન બદતર બનતું જશે.