સ્ટ્રોમ ડ્રેઈનમાં ગટરના ગેરકાયદે જોડાણથી બાળકનો ભોગ લેવાયો : વરિયાવ સહિત અનેક જગ્યાએ ગટરના જોડાણ કાપવા માંગણી
Surat : સુરત પાલિકાના રાંદેર ઝોનમાં વરીયાવ-અમરોલી રોડ પર પાલિકાની સ્ટ્રોમ ડ્રેઈનમાં ગટરનું તુટેલું ઢાંકણું ઉપરાંત સ્ટ્રોમ ડ્રેઈનમાં સ્ટ્રોમ ડ્રેઈનમાં ગટરના ગેરકાયદે જોડાણથી બાળકનો ભોગ લેવાયો છે. પાલિકાની આંખ આડા કાન કરવાની નીતિ તથા ગંભીર બેદરકારીને કારણે વેગડ પરિવારે બાળક ગુમાવવાનો વારો આવ્યો છે. પાલિકાની બેદરકારી ઉપરાંત ગેરકાયદે જોડાણથી બાળકનું મોત થયું હોય આવા ગેરકાયદે જોડાણ કડકાઈથી કાપવા માટેની માંગણી થઈ રહી છે.
સુરત શહેરમાં સ્ટ્રોમ ડ્રેઈનમાં ડ્રેનેજના ગંદા પાણીના જોડાણ સૌથી મોટી સમસ્યા છે. વારંવાર ફરિયાદ અને સુચના છતાં પણ કોઈ નક્કર કામગીરી થતી નથી. આ ઉપરાંત બીજી તરફ કેટલીક જગ્યાએ પાલિકા કામગીરી કરે છે ત્યારે રાજકીય દખલગીરી અને ટોળાશાહીના કારણે પણ કામગીરી થતી નથી. જોકે, બુધવારે અમરોલી-વરીયાવ રોડ પર વેગડ પરિવારનો બે વર્ષનો બાળક સ્ટ્રોમ ડ્રેઈનના ખુલ્લા ઢાંકણાં પડી ગયો હતો અને સ્ટ્રોમ ડ્રેઈનમાં ગટર ઉપરાંત તબેલાના ગેરકાયદે જોડાણ હોવાથી ધસમસતા પ્રવાહમાં બાળક તણાઈ ગયો હતો અને મોતને ભેટ્યો હતો.
આ સ્ટ્રોમ ડ્રેઈનમાં એટલા બધા ગેરકાયદે જોડાણ છે કે બાળકનો મૃતદેહ શોધવા માટે 24 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ છે અને પાલિકાના અધિકારીઓ સામે પગલાં ભરવા સાથે આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા માટે પણ માંગણી થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાળક જ્યાંથી ગટરમાં ગરક થયો હતો તેની આસપાસના વિસ્તારમાં અનેક તબેલાના જોડાણ આ વરસાદી ગટરમાં છે. આ ઉપરાંત અનેક રહેણાંક વિસ્તારમાં બોરીગના પાણી નો ઉપયોગ થાય છે તે લોકો પણ પાલિકાના કાયદેસરના ગટર જોડાણ લેતા નથી અને આવી રીતે ગેરકાયદે જોડાણ કરી દે છે. જેના કારણે આવા તમામ ગેરકાયદે જોડાણ સ્ટ્રોમ ડ્રેઈનમાંથી કડકાઈથી દુર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.