રાજ્યમાં લાખો સરકારી જગ્યાઓ ખાલી, આવતા વર્ષ સુધીમાં મોટા પ્રમાણમાં કરીશું ભરતીઃ મુખ્ય સચિવ
Gujarat Government Recruitment : રાજ્ય સરકારમાં ભરતી પ્રક્રિયા મુદ્દે મુખ્ય સચિવ રાજકુમારે મોટું નિવેદન આપ્યું છે. સુશાસન સપ્તાહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓમાં 40થી 60 ટકા કર્મચારીઓની ઘટ છે. વિવિધ વિભાગોમાં સ્ટાફની ઘટ છે. આવતા વર્ષ સુધીમાં મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા શરુ કરીશું. જુની વસ્તીને ગણીએ તો પણ 2 લાખ કરતા વધારે જગ્યાઓ ખાલી છે અને નવી વસ્તીનો અંદાજ લગાવીએ તો 4થી 5 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે.
ઓનલાઈન ભરતી પ્રક્રિયાનો પ્રયોગ સફળ રહ્યોઃ મુખ્ય સચિવ
મુખ્ય સચિવે કહ્યું હતું કે, રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતી માટે પણ ઓનલાઇન પરીક્ષા પદ્ધતિ અપનાવીને સુશાસનની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા માટે સરકાર પ્રયત્નશીલ છે. ઓનલાઈન ભરતી પ્રક્રિયાનો પ્રયોગ સફળ રહ્યો. આ નવીન ઓનલાઇન પરીક્ષા પદ્ધતિથી સરકારી ભરતીઓમાં વધુ પારદર્શકતા આવશે. ભરતીમાં ગેરરીતિ કરનારા સામે કડક કાયદો લાવ્યા છીએ.
સરકારી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થયાનો મુખ્ય સચિવે કર્યો સ્વીકાર!
મુખ્ય સચિવે આ કાર્યક્રમમાં સ્વીકાર કર્યો હતો કે, સરકારી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થયો છે. તેમણે કહ્યું હતું કે, 'વિવિધ પ્રવેશ પ્રક્રિયાઓમાં ગેરરીતિ થઈ છે, પરંતુ સરકાર હવે આ છીંડા બંધ કરવા માટે અને ફુલપ્રુફ સિસ્ટમ વિકસાવવા માટેના પ્રયાસો કરી રહી છે.' આ સાથે તેમણે બાહેંધધરી આપતા કહ્યું હતું કે, 'હવેની નવી ભરતીઓમાં કોઈ છટકબારી નહીં રહે.' આઉટસોર્સિંગ દ્વારા ચાલતા આ વિભાગોમાં આઉટસોર્સના કર્મચારીઓ ભ્રષ્ટાચાર પણ કરે છે. કેટલાક અધિકારીઓ પોતાના મળતીયાઓને સાચવવા માટે પ્રયાસો પણ કરતા હોવાની વાત મુખ્ય સચિવે કરી હતી.
મહત્વનું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે 'સુશાસન દિવસ'ની ઉજવણી કરાઈ હતી. જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા, મુખ્ય સચિવ રાજકુમાર, સામાન્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.