ભરૂચ બેઠક પર હવે ત્રિકોણીય જંગ, દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાએ કરી મોટી જાહેરાત
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીની નજીક આવી રહી છે. રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે બેઠક ભરૂચ અને ભાવનગર ફાળવવામાં આવી છે. ભરૂચ બેઠક પર આપે ચૈતર વસાવાને ટિકિટ આપી છે. તો ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. હવે અહીં ત્રિકોણીય જંગ જામશે. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસી પાર્ટી (BAP)ના ઉમેદવાર તરીકે તેમના નાના પુત્ર દિલીપ વસાવાને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી દીધી છે.
ત્રિકોણીય જંગ જોવા મળશે
ભરૂચ લોકસભા બેઠક પર સતત 6 ટર્મથી જીતતા આવતા મનસુખ વસાવા ભાજપના ઉમેદવાર છે. તો I.N.D.I.A. ગઠબંધન તરફથી આપના ચૈતર વસાવા છે. હવે દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાએ બીએપીના ઉમેદવાર તરીકે તેમના નાના પુત્ર દિલીપ વસાવાને ઉમેદવાર જાહેર કરાતા આ ત્રિકોણીય જંગ જોવા મળશે. આ બેઠકની પાંચ વિધાનસભા બેઠકો ઉપરાંત જિલ્લામાં નર્મદા અને વડોદરા જિલ્લામાંથી બે બેઠક ડેડિયાપાડા-કરજણ પણ છે. જેમાંની ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. વિધાનસભામાં સાતમાંથી છ બેઠકો પર ભાજપનો કબજો છે. ઝઘડિયા બેઠક જેના પર આદિવાસી નેતા છોટુ વસાવા સાત વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ 2022ની ચૂંટણીમાં પહેલીવાર હાર્યા હતા.
મનસુખ વસાવા એક પણ ચૂંટણી નથી હાર્યા
મનસુખ વસાવા આદિવાસી સમાજના સૌથી મોટા નેતા છે અને ભાજપના વરિષ્ઠ નેતા પણ છે. તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી. મનસુખ વસાવા સતત છ વખત ચૂંટણી જીત્યા છે. મનસુખ વસાવા પહેલીવાર 1998માં જીત્યા હતા. ત્યારથી તેઓ ભરૂચ બેઠક પર કબજો જમાવીને બેઠા છે. આમ, તેઓ સતત 27 વર્ષથી લોકસભા જીતતા આવી રહ્યા છે. મનસુખ વસાવા કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. રાજ્યની અનેક લોકસભા બેઠકો પર ઉમેદવાર બદલાયા છે, પરંતુ મનસુખ વસાવા સતત રિપીટ થતા આવી રહ્યા છે.
ભરૂચમાં આદિવાસી અને મુસ્લિમ મતદારોની બહુમતી
ભરૂચ બેઠક ગુજરાતની એક એવી બેઠક છે જ્યાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવાર બંને આદિવાસી નેતા છે. ત્યારે આ બેઠક જીતવા માટે ઉમેદવારોએ તનતોડ મહેનત કરવી જ પડશે.