એક મતની કિંમત શું હોય? છોટા ઉદેપુરની ચૂંટણીમાં એક વોટે બદલ્યો ખેલ
Gujarat Local Body Election Result: દરેક ચૂંટણીમાં લોકો પોતાની આળસના કારણે એક મતના મહત્ત્વને અવગણે છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં આ એક મતનું મૂલ્ય લોકો સમજી શક્યા હતાં. અહીં છોટા ઉદેપુરના એક ઉમેદવાર ફક્ત એક મતથી જીત્યા છે. છોટાઉદેપુરની નગરપાલિકાના વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફિસ શેખનો ફક્ત એક વોટથી વિજય થયો છે. નોંધનીય છે કે, છોટા ઉદેપુર નગરપાલિકાની કુલ 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટાઈ હતી. જેમાં ભાજપ 8 બેઠક, સપા 6 બેઠક, બસપા 4 બેઠક તેમજ કોંગ્રેસ 1 બેઠક અને અન્યના ખાતામાં 9 બેઠક આવી હતી.
કોંગ્રેસના સૂપડા સાફ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે પણ ભાજપનો દબદબો યથાવત રહ્યો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. રાજ્યમાં 68 નગરપાલિકાની ચૂંટણીમાંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે અને માત્ર 1 બેઠક પર જ કોંગ્રેસ જીત હાંસલ કરી શકી છે. આ સિવાય સપા બે બેઠકો પર કિંગમેકર સાબિત થઈ છે. આ સિવાય 2 બેઠકો પર અપક્ષ ઉમેદવારે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. તેમજ ડાકોર નગર પાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે.
ભાજપ બિનહરીફ વિજેતા જાહેર
નોંધનીય છે કે, ગુજરાતમાં 68માંથી ફક્ત 66 નગર પાલિકામાં જ ચૂંટણી યોજાઈ હતી. કારણકે, બે બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતાં.