કોઝવે પાસે છઠ પૂજા નહી થાય, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- ગાઈડલાઈનને કારણે બિહાર વિકાસ મંડળે પૂજા કાર્યક્રમ રદ કર્યો : લોકોને ઘરે,સોસાયટીમાં પૂજા કરવા અપીલ
સુરત : સુરતમાં બિહાર અને ઝારખંડના સાત લાખ લોકો ઉધના પાંડેસરા ડિંડોલી સહિત અન્ય સ્થળો પર છઠ પૂજા કરતા હોય છે. પરંતુ સરકારની ગાઈડલાઈનને કારણે છઠપૂજા સમિતિઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે. તો બીજી તરફ કોઝવે પર છઠ પૂજા ન કરી શકે એ માટે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સુરતમાં અલગ-અલગ 25 જગ્યાએ છઠ પુજા થતી હોય છે અને દરેક જગ્યાએ હજારોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે. જેના કારણે એક બિહાર વિકાસ મંડળ દ્વારા છઠપૂજા રદ્દ કરવામાં આવી છે. આ વર્ષે સરકારની ગાઈડલાઈન પ્રમાણે માત્ર 400 લોકો એકત્ર થઇ શકે છે ત્યારે કોને આ પરવાનગી આપવી? એ મોટો પ્રશ્ન છે. હજારો લોકો આ સ્થળે આવી શકે છે જેથી સંસ્થા દ્વારા કોઝવે ખાતે આયોજન રદ્દ કરી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરે જ રહીને સોસાયટીમાં જ પૂજા કરે. સાથે જ બીજી તરફ કોઝવે ખાતે લોકો છઠ પૂજા માટે એકત્ર ન થાય અને ડેરીઓ પણ ન બનાવી શકે એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.