તાલાલા પંથકનાં 50 ફાર્મ હાઉસમાં ચેકિંગઃ 2 સ્થળે 9 લાખની વીજ ચોરી પકડાઇ
બરોડાથી વિજિલન્સની 10 વીજ ચેકિંગ ટીમો ત્રાટકી : ભોજદે ગીર, બોરવાવ ગીર, ચિત્રોડ, સાંગોદ્રા ગામોનાં ફાર્મ હાઉસમાં ચેકિંગઃ ખેતીવાડી વીજ જોડાણના વીજ પાવરનો ફાર્મ હાઉસમાં કોમશયલ ઉપયોગ થતો હોવાનું ખુલ્યું
તાલાલા, : તાલાલા પંથકના ભોજદે ગીર-બોરવાવ ગીર-સાંગોદ્રા અને ચિત્રોડ ગીર ગામની વિવિધ સીમ વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસો, રીસોર્ટ અને હોટલો માં ગત મોડી રાત્રે પી.જી.વી.સી.એલની એક સાથે દશ ચેકીંગ ટુકડી ત્રાટકતાં ફાર્મ હાઉસ સંચાલકો ચોંકી ઉઠયા હતા.તાલાલા પંથકના ૫૦ ફાર્મ હાઉસમાં વીજ જોડાણોનું ચેકિંગ કરાયું હતું. તેમાંથી બે ફાર્મ હાઉસમાં 9 લાખની વીજ ચોરી પકડાઇ હતી.
પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં એ.ડી.જી.પી રાજકુમાર પાંડીયન(આઈ.પી.એસ)ની સુચના પ્રમાણે બરોડાથી ગત મોડીરાત્રે અચાનક વિજીલન્સ કંપનીની 10 જેટલી ચેકીંગ ટીમો આવી હતી.ચેકીંગ ટુકડીઓએ ભોજદે ગીર,બોરવાવ ગીર,ચિત્રોડ ગીર અને સાંગોદ્રા ગીર ગામની વિવિધ વિસ્તારની સીમમાં આવેલ 50 જેટલા ફાર્મ હાઉસો,રીસોર્ટ અને હોટલો માં ચેકીંગ કરેલ. જેમાંથી ભોજદે ગીર ગામની સીમમાં આવેલ ગીર ગુંજન ફાર્મ હાઉસ તથા બોરવાવ ગીર ગામની સીમમાં મનસુખભાઈ ખીમાભાઈ ગઘેસરીયાના ફાર્મ હાઉસના વિજ જોડાણ માં પાવર ગેરરીતિ બહાર આવી હતી.બંને ફાર્મ હાઉસમાં ખેતીવાડી વીજ જોડાણ માંથી આવતો વીજ પાવર ફાર્મ હાઉસમાં કોમશયલ ઉપયોગ થતો હતો.ચેકીંગ સ્ક્વોડે બોરવાવ ગીરના ફાર્મના સંચાલકને રૂ.આઠ લાખનું કામચલાઉ પુરવણી વિજ બીલ આપ્યું હતું.જયારે ભોજદે ગીર ગામના ફાર્મ હાઉસને અંદાજે રૂ. 80,000 નું કામચલાઉ બીલ આપી બંને વીજ જોડાણની તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત થયેલ વધું વિગત પ્રમાણે બરોડા થી આવેલ વિજીલન્સ બ્રાંચ ની ચેકીંગ ટીમોએ પ્રભાસપાટણ તથા મેંદરડા વિસ્તારમાં પણ મોડી રાત્રે ચેકીંગ કર્યું હતું.આ દરમ્યાન પ્રભાસપાટણ વિસ્તારમાંથી બે તથા મેંદરડા વિસ્તારના એક ફાર્મ હાઉસમાં પણ ગેરરિતીઓ બહાર આવી હતી.તાલાલા પંથકમાં ગત મોડી રાત્રે અચાનક બરોડાથી ખાબકેલ વિજીલન્સ બ્રાંચ ની ટીમોએ વહેલી સવાર સુધી ફાર્મ હાઉસમાં વીજ ચેકીંગ કર્યું હતું.વીજ વિભાગની કડક કાર્યવાહીથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.