Get The App

વડોદરામાં વીજ ચોરીનું ચેકીંગ : 32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
વડોદરામાં વીજ ચોરીનું ચેકીંગ : 32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ 1 - image


Vadodara MGVCL Cheaking : એમજીવીસીએલના માંડવી સબ ડિવિઝનમાં આવતા વિસ્તારોમાં આશરે વીજ કંપનીની 27 ટિમો દ્વારા પાંચ ફીડર હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં 625 જેટલા વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. તેમાંથી 32 કનેક્શનોમાં વીજ ચોરીમાં અંદાજીત 30 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી. 

શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં વીજ ચોરીનો સિલસિલો યથાવત રહ્યો હોવાનું ધ્યાને આવતા મધ્ય ગુજરાત વીજ કંપનીના વડોદરા માંડવી સબ ડિવિઝનમાં આવતા 5 ફીડર હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. પોલીસનો બંદોબસ્ત મેળવવામાં આવ્યો હતો. ડ્રાઈવમાં શહેરના પાણીગેટ રોડ દૂધવાલા મોહલ્લા, ચુડીવાલા ગલી, ભદ્ર કચેરી રોડ, છીપવાડ, ચાબુકસવાર મોહલ્લો, પટેલ ફળિયા 1-2, યાકુતપુરા મીનારા કોમ્પ્લેક્સ, સરસિયા તળાવ રોડ, ચોરા પાસે, બુમલાવાળી ગલી, રેશમવાલાનો ખાંચો, અંબે માતાનો ખાંચો, ધૂળધોયાવાડ, ફતેપુરા, હાથીખાના ભાંડવાડા, મીઠા ફળિયા, ઊંડા ફળિયા, ગેંડા ફળિયા, રાવત શેરી, ખારી તલાવડી, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પોલીસના બંદોબસ્ત સાથેની વિવિધ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન કુલ 625 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 32 જેટલા કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી. હાથીખાના ફીડરમાંથી 3.82 લાખ, સરસીયા તળાવ ફીડરમાંથી 7.42 લાખ, જ્યુબેલીબાગ ફીડરમાંથી 11.50 લાખ, ફતેપુરા ફીડરમાંથી 6.47 લાખ અને બાજવાડા ફીડરમાંથી 0.83 લાખ મળી કુલ રૂ 30.4 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. આ અંગે વીજ કંપનીની ટીમોએ વીજ અધિનિયમ મુજબની કાર્યવાહી કરી હતી. નોંધનીય છે કે, વીજ અધિનિયમ 2003ની કલમ 135 મુજબ ગ્રાહકને દંડ પોલીસ કેસ અને દીવાની દાવો કરવામાં આવે છે. કલમ 135માં એક પોલીસ કેસ થાય છે તેમજ કંપનીની ગણતરી પ્રમાણે ઘણો મોટો દંડ થાય છે. આ સાથે જ દિવાની રાહે પૈસા વસૂલ કરવા કંપની કેસ દાખલ કરે છે અને ગ્રાહક દંડ ભરે નહીં તો તેનું વીજ જોડાણ કાપી નાખવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.


Google NewsGoogle News