વડોદરાના સ્ક્રેપના વેપારી સાથે રાજકોટના પિતા-પુત્રની ઠગાઇ
રાજકોટ તપાસ કરવા માટે ગયા તો કંપની બંધ કરી ભેજાબાજ પિતા અને પુત્ર બંને ફરાર થઇ ગયા
વડોદરા, તા.27 વડોદરાના મકરપુરા જીઆઇડીસીમાં સ્ક્રેપના વેપારી પાસેથી માલ મેળવી રાજકોટના સ્ક્રેપના વેપારી ભેજાબાજ પિતા અને પુત્રએ રૃા.૬૧ લાખનો ચૂનો ચોપડતા પોલીસ ફરિયાદ નોધાઇ છે.
માંજલપુર અલવાનાકા વિસ્તારમાં આકાર કોમ્પ્લેક્સમાં રહેતા પંકજ સત્યપાલ સિંઘલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં રાજકોટના ૮૦ ફૂટ રોડ પર આજી વસાહતની પાછળ અજય વે બ્રિજ નામે વેપાર કરતાં સ્ક્રેપના વેપારી પિતા હરેશ સોનપાલ અને પુત્ર પંકજ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ-૨૦૨૩માં પિતા અને પુત્ર બંને મારી ઓફિસમાં આવ્યા હતાં અને રાજકોટમાં અમારો સ્ક્રેપનો મોટો ધંધો છે તમે અમને સ્ક્રેપ મોકલશો તો તુરંત પૈસા આપી દઇશું તેમ જણાવ્યું હતું.
રાજકોટના બંને વેપારીઓ અંગે તપાસ કરાવતા મારા મોટાભાઇ પણ તેઓની સાથે વેપાર કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં હું પોતે પણ રાજકોટ ગયો હતો અને કંપનીમાં જઇ તપાસ કરી હતી. તા.૧૯ જુલાઇ ૨૦૨૩થી ૨૭ ઓગસ્ટ ૨૦૨૪ સુધી કુલ રૃા.૩.૭૬ કરોડનો માલ ઓર્ડર મુજબ રાજકોટ મોકલ્યો હતો જે પૈકી રૃા.૩.૧૦ કરોડ ઓનલાઇન પેમેન્ટ મને મળી ગયું હતું જ્યારે બાકીના રૃા.૬૧ લાખ આપ્યા ન હતાં. આ અંગે ઉઘરાણી કરતાં પિતા અને પુત્રએ બે ચેક આપ્યા હતાં.
બંને ચેક બેંકમાં ડિપોઝિટ કરવા માટે હું પિતા અને પુત્રને ફોન કરતો તો તેઓ ઉપાડતા ન હતાં જેથી મેં ચેક બેંકમાં ડિપોઝિટ કરતા બંને ચેક રિટર્ન થયા હતાં. બાદમાં રાજકોટ તપાસ કરવા ગયો ત્યારે કંપની બહાર પણ અનેક વેપારીઓ પિતા અને પુત્રની તપાસ કરવા માટે આવ્યા હતાં. બંનેના ફોન પણ બંધ બતાવતા હતાં. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.