પાર્ક પ્રિવેલીયા હોસ્પિટાલિટીના સંચાલકોએ ટૂર પેકેજના નામે ઠગાઇ કરી,બુકિંગ કરવા ગયા તો ધક્કા મારી કાઢ્યા
વડોદરાઃ અલકાપુરી વિસ્તારમાં ઓફિસ ખોલી હોલિડેઝ ટૂર પેકેજના નામે લોભામણી ઓફર કરી રૃપિયા ખંખેરનાર પાર્ક પ્રિવેલીયા હોસ્પિટાલિટીના સંચાલકો સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
લક્ષ્મીપુરા રોડના વિઠ્ઠલેશ ડુપ્લેક્સમાં રહેતા સની સબાસ્ટિયન ખિસ્ત્રીએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૫-૧૨-૨૦૨૪ના રોજ મારા પર પાર્ક પ્રિવેલિયા હોસ્પિટાલિટીમાંથી ફોન આવ્યો હતો અને ટૂર પેકેજની ઓફર જાણવા માટે સારાભાઇ કેમ્પસમાં આવેલી કોર્ટયાર્ક મેરિએટ હોટલમાં ડિનર સાથે સેમિનાર રાખ્યો હોઇ કપલ સાથે આમંત્રણ આપ્યું હતું.
સેમિનારમાં એક મહિલાએ બ્રોસર આપ્યું હતું અને ત્યારબાદ મેં રૃ.૩.૦૧ લાખનું ૧૦ વર્ષનું ૭ નાઇટ અને ૮ દિવસનું પેકેજ લીધું હતું.ત્યારબાદ પેકેજ મુજબ બુકિંગ માટે પ્રયત્ન કર્યા હતા પરંતુ યોગ્ય જવાબ મળ્યા નહતા.
સનીએ કહ્યું છે કે,હું અલકાપુરી સીએચ જ્વેલર્સ સામે વિસેન્ઝા હાઉસ ખાતે આવેલી ઓફિસે ગયો ત્યારે ત્યાં મોહસીન અને સિરાજ બેઠા હતા.તેમણે મને બુકિંગ થઇ જશે તેમ કહ્યું હતું.પરંતુ ત્યારબાદ બુકિંગ નહિ થતાં હું ફરી તપાસ માટે ગયો હતો.આ વખતે બંને કર્મચારીએ મને ગાળો ભાંડી ધક્કા મારીને કાઢી મુક્યો હતો.
ત્યારબાદ મારા ફોન ઉઠાવવામાં આવતા નહતા.જેથી હું ઓફિસમાં તપાસ કરવા ગયો તો તાળા વાગી ગયા હતા.મારી જેમ ગોત્રી રોડના શશીકલા શાહે રૃ.૬૦ હજાર અને સન ફાર્મા રોડના મોહિતકુમાર પટેલે રૃ.૭૫હજાર ચૂકવી બુકિંગ કરાવ્યું હતું અને તેમની સાથે પણ છેતરપિંડી થઇ હતી.ગોરવા પોલીસે આ અંગે ડિરેક્ટર રાહુલ ગુપ્તા(શ્રીનાથ દર્શન એપાર્ટમેન્ટ,ઇલોરાપાર્ક,વડોદરા),મો.એસ. અન્સારી (મહાવીર ફ્લેટ,જૈનમંદિર પાસે,રાયપુર,અમદાવાદ),ક્રિષ્ણાબેન, મોહસીન અને સિરાજ સામે ગુનો નોંધ્યો છે.