બે ભાઈઓના ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરી રૂપિયા નહીં ભરી 11 લાખની છેતરપિંડી
image : Freepik
Vadodara Credit Card Fraud : વડોદરાના વાઘોડિયા રોડ પુનમ પાર્ક સોસાયટીમાં રહેતો હિરેન રાજેશકુમાર આસર માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. સીટી પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારી પાસે ICICI તથા AXIS તથા HDFC તથા Indianoil Axis Bankનું ક્રેડિટ કાર્ડ છે. એક વર્ષ પહેલા મારા નાના ભાઈ હાર્દિકને વેપાર ધંધા માટે રૂપિયાની જરૂર હોય તેના મિત્ર પાર્થ ઠક્કર રહેવાસી ચીમનલાલ પાર્ક સોસાયટી વાઘોડિયા રોડના રેફરન્સથી ક્રેડિટ કાર્ડથી પૈસા આપતા આસિફ નસરુદ્દીન દીવાન (રહેવાસી મદાર મહોલ્લો સરસિયા તળાવ)નો કોન્ટેક્ટ થયો હતો. આસિફે અલગ અલગ ક્ર-ડિટ કાર્ડ સ્વાઇપ કરી તેના પૈસા આપ્યા હતા અને તેની સામે એક લાખ પર બે ટકા ચાર્જીસ લીધા હતા. મેં પણ મારા અલગ-અલગ ક્રેડિટ કાર્ડથી આસિફ પાસે સ્વાઇપ કરાવી એક લાખ પર બે ટકા ચાર્જિસ આપી પૈસા લીધા હતા.
ત્યારબાદ અમારે પૈસાની જરૂરિયાત નહીં હોવાથી નાણાકીય વ્યવહાર પૂરો કર્યો હતો અને તેની પાસે જવાનું બંધ કરી દીધું હતું. આસિફે અમારો સંપર્ક કરી ક્રેડિટ કાર્ડની મદદ માગી હતી પરંતુ અમે તેને ના પાડી દીધી હતી. ત્યારબાદ આસિફ દીવાને અમને કમીશન આપવાનું જણાવતા અમે તેની પાસે ગયા હતા. તેણે અમારા અલગ-અલગ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી પૈસા ઉપાડી લીધા હતા તેમજ ખરીદી કરી હતી. ત્યારબાદ તેણે 11 લાખ નહીં ભરી અમારી સાથે છેતરપિંડી કરી હતી. આસિફની સાથે રેશમા દિવાન તથા અમન રહીમસા દીવાન તથા ખાલીદભાઈએ મળીને અમારી સાથે 11 લાખની છેતરપિંડી કરી હતી.