સરકારી નોકરી અપાવવાની લાલચ શહેરા તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા સામે છેતરપિંડીનો ગુનો
દાહોદના યુવાનને પોતાની તાલીમશાળામાં તાલીમ આપ્યા બાદ સરકારી નોકરીની લાલચ આપી રૃા.૨.૭૦ લાખ ખંખેર્યા
શહેરા તા.૩૧ સરકારી નોકરીની લાલચ આપી રૃા.૨.૭૦ લાખની છેતરપિંડી કરતા શહેરા તાલુકા પંચાયતના વિરોધપક્ષ કોંગ્રેસના નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. અગાઉ પણ તેમની સામે ઠગાઇની ફરિયાદ થઇ હતી.
શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ બળવતસિંહ સોલંકી વલ્લવપુર ગામે પોલીસ, એસઆરપી અને સેનામાં જવા માટેની તાલીમ શાળા ચલાવતા હતા અને ત્યાં તાલીમાર્થીઓને સરકારી નોકરી અપાવવાની ખોટી લાલચ આપી રૃપિયા પડાવતા હતાં. આ અંગેની કેટલીક ફરિયાદો શહેરા પોલીસ મથકે ભૂતકાળમાં નોંધાઈ છે ત્યારે વધુ એક છેતરપિંડીની ફરિયાદ જશવંતસિંહ સોલંકી વિરુદ્ધ નોંધાઈ છે.
દાહોદ તાલુકાના કાડી તળાઇ ખાતે રહેતાં રીનેશભાઈ મોતીભાઈ કટારાએ વર્ષ ૨૦૧૯માં વલ્લવપુર ખાતે આવેલી તાલીમ શાળામાં આર્મી, પોલીસ અને એસઆરપીની તાલીમ લીધી હતી અને તેઓને તાલીમ પૂર્ણ કર્યા બાદ સરકારી નોકરી અપાવવાની ખાતરી આપી નોકરી માટે રૃપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. રીનેશભાઈ પાસેથી તાલીમ શાળાના સંચાલક જશવંતસિંહ સોલંકીએ અલગ અલગ સમયે રૃા.૨.૭૦ લાખ પડાવ્યા હતાં.
લાંબો સમય થવા છતાં રીનેશભાઇને સરકારી નોકરી નહી મળતાં જશવંતસિંહ સોલંકીને આપેલી રકમ પરત માંગી હતી પરંતુ જશવંતસિંહ ગલ્લાતલ્લા કરતાં હતાં. દરમિયાન પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાતા આખરે રીનેશભાઇએ શહેરા પોલીસ મથકે તાલીમ શાળાના સંચાલક અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ ઉર્ફે જે.બી.સોલંકી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.