શહેરને જોડતા ચેક પોઇન્ટો પર જિલ્લા પોલીસનો ચાંપતો બંદોબસ્ત
૧ પ્રોબેશનર પોલીસ અધિક્ષક, ૩ ડીવાયએસપી, ૨૦ પીઆઇ, ૪૫ પીએસઆઇ, ૪૦૦ પોલીસનું રાઉન્ડ ધ ક્લોક જિલ્લામાં ચેકિંગ
વડોદરા, તા.30 વડોદરા શહેરની આસપાસના સેવાસી, સિંઘરોટ સહિતના વિસ્તારો તેમજ જિલ્લામાં અન્ય સ્થળે શાંતિથી તા.૩૧ ડિસેમ્બરની શાંતિથી ઉજવણી થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા બે દિવસ પહેલાંથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં નવા વર્ષને સત્કારવા માટે કુલ ૧૦ સ્થળોએ પાર્ટીના આયોજન માટે મંજૂરી આપવામાં આવી છે. પોલીસ દ્વારા શહેરને જોડતા જિલ્લાના ચેકપોઇન્ટો પરથી પસાર થતા વાહનોની તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ, હોટલ, રિસોર્ટ્સ, કેફે મળી કુલ ૨૧૧ જેટલા સંચાલકો સાથે પોલીસે બેઠકો કરીને નવા વર્ષને આવકારવા માટે જો કોઇ પાર્ટીનું આયોજન કરતા હોય તો સૂચનો આપવામાં આવ્યા હતાં. જિલ્લામાં નવા વર્ષની ઉજવણી શાંતિથી થાય તે માટે એક પ્રોબેશનર પોલીસ અધિક્ષક, ત્રણ ડીવાયએસપી, ૨૦ પીઆઇ, ૪૫ પીએસઆઇ અને ૪૦૦થી વધુ પોલીસ કર્મચારીઓને જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વાહન ચેકિંગ નાકાબંધી ચેક પોસ્ટ ઊભા કરી રાઉન્ડ ધ ક્લોક બ્રેથ એનેલાઇઝર તેમજ એનડીપીએસ કિટ સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસની હદમાં મહત્તમ ફાર્મ હાઉસો વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યા હોવાથી ઘોડેસવાર પોલીસ દ્વારા અંતરિયાળ ગામોમાં દૈનિક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમ જણાવી જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે જિલ્લાની શી ટીમ, પીસીઆર વાહનો તેમજ ટ્રાફિક પોલીસને જિલ્લામાં મુખ્ય નાકાબંધી પોઇન્ટો પર તૈનાત કરવામાં આવેલ છે. જિલ્લામાં ૩ ફાર્મ હાઉસ, ૧ પાર્ટી પ્લોટ, હોટલ, કાફે તેમજ રેસ્ટોરન્ટ મળી કુલ ૧૦ જગ્યાઓએ નવા વર્ષને આવકારવા પાર્ટીના આયોજન માટે મંજૂરી અપાઇ છે.