'સુરતનું જમણ ને કાશીનું મરણ' કહેવત સાર્થક કરતા સુરતીઓ, સેવાભાવી સંસ્થાઓએ ઝુંપડપટ્ટી-શ્રમજીવીઓ સાથે કરી ચંદની પડવાની ઉજવણી
Surat's Chandi Padvo Festival 2024 : આજના દિવસે ચંદની પડવાનો તહેવાર ભારે ધામધૂમથી ઉજવે છે અને આજના દિવસે લોકો પોતાના પરિવાર અને દોસ્તો સાથે મળીને ઘારી અને ભુસુ ખાઈ સાથે વિવિધ ફરસાણ ખાઈને ચંદની પડવાની ઉજવણી કરે છે. જોકે, હાલમાં મોંઘવારીના કારણે ઘારી અને ફરસાણનો ભાવ આસમાને જઈ રહ્યો છે તેમાં સામાન્ય પરિવારે પણ ઉજવણી ભારે પડી રહી છે. ત્યારે ગરીબ, શ્રમજીવીઓ અને ભિક્ષુકો માટે આ તહેવારની ઉજવણી અશક્ય બની છે. પરંતુ સુરતની કેટલીક સંસ્થાઓની સખાવતના કારણે સુરતના શ્રમજીવીઓ, ભિક્ષુકો અને ગરીબો માટે ચંદની પડવાની ઉજવણી શક્ય બની છે. આ સંસ્થાના કારણે સુરતની ઝુંપડપટ્ટી-શ્રમજીવીઓ અને ગરીબોને ચંદની પડવામાં ઘારી અને ભુસુ ખાઈને ચંદની પડવાની ઉજવણી કરી શક્યા હતા.
ઘારી અને ફરસાણ ખરીદી શકે તેવા સુરતીઓ પોતાની રીતે મોજમાં ચંદની પડવાની ઉજવણી કરશે, પરંતુ જે લોકો માટે ઘારી ખરીદી શકાય એટલા પૈસા નથી તેવા લોકો પણ સુરતી તહેવારની ઉજવણી કરી શકે તે માટે સુરતની કેટલીક સેવાભાવી સંસ્થાઓ આવા લોકોને ઘારી અને ભુસુ ખવડાવીને ચંદની પડવાની ઉજવણી કરી રહ્યાં છે. સુરતની આ સંસ્થા સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરી રહ્યાં છે. સુરતની બે સંસ્થા એવી છે કે વર્ષના 365 દિવસ જરૂરિયાત મંદોને ભોજન પીરસી રહી છે. આજના તહેવારને અનુલક્ષીને બન્ને સંસ્થાઓએ ઘારી બનાવી હતી અને જરૂરિયાત મંદો, ભિક્ષુકો અને શ્રમજીવીઓને ઘારી સાથેનું ભોજન આપીને તેમના તહેવારમાં મીઠાસ લાવી દીધી હતી.
સુરતના શ્રમજીવી વિસ્તારમાં જઈને 365 દિવસ ભોજન પીરસતી હોપના જીજ્ઞેશ ગાંધી કહે છે, હાલની સ્થિતિમાં શહેરના ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકો માટે ચંદની પડવાની તહેવારની ઉજવણી કે ઘારી ખાવું એક સપના જેવું છે. જોકે, સુરતમાં લાખો લોકો ઘારી ખાતા હોય ત્યારે તેમને પણ ઘારી ખાવાની ઈચ્છા હોય છે પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ઘારી ખરીદી શકતા નથી. તેથી અમે દર વર્ષે ચંદની પડવાના દિવસે મોટા પ્રમાણમાં ઘારી બનાવડાવીએ છીએ અને ઝુંપડપટ્ટીમાં ફરી ફરીને બાળકો અને તેમના પરિવારને ઘારી આપી ચંદની પડવાની ઉજવણી કરાવ્યે છીએ. આ પરિવારોને ઘારી જોઈ અને ખાધી તેમના ચહેરા પર જે આનંદ અને સંતોષ જોયો તેથી અમને બીજા સેવાના કાર્ય કરવાનું નવું બળ મળી રહે છે.
આવી જ રીતે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બનાવેલા વિવિધ સેન્ટર પર ભિક્ષુકો અને ગરીબોને ભોજન પીરસવાનું કામ સુરતની સહસ્ત્રફણા ચેરીટેબલ ટ્રસ્ટ કરી રહી છે. આ ટ્રસ્ટ દ્વારા આજે તેમના જુદા-જુદા સેન્ટર પરથી પાકા ભોજન સાથે સાથે ઘારી અને ભુસુ પણ પીરસવામાં આવ્યું હતું. શહેરમાં ભીખ માંગીને ગુજરાત ચલાવતા ભિક્ષુકો પણ ચંદની પડવાની ઉજવણી કરી શકે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોવાનું ટ્રસ્ટના લહેરુભાઈ શાહ કહે છે, તેઓ વધુમાં કહે છે, સુરતીઓ પોતે આ તહેવારની ઉજવણી કરે છે, પરંતુ શ્રમજીવીઓ અને ભિક્ષુકો કરી શકતા નથી. ભિક્ષુકો અને ગરીબોને પણ તહેવારની ઉજવણી કરવાનો ઉમંગ હોય છે પરંતુ તેમની પાસે પૈસા ન હોવાથી તેઓ તહેવારની ઉજવણી કરી શકતા નથી. આવા લોકો માટે અમારી સંસ્થાન કામ કરી રહી છે. તેથી આવા લોકો પણ તહેવારની ઉજવણી કરી શકે તે માટે અમારી સંસ્થા દ્વારા દર વર્ષે આયોજન કરવામા આવે છે.
સુરતીઓ પોતે તો ઉત્સાહથી ચંદની પડવાની ઉજવણી કરે છે પરંતુ તેમની સાથે-સાથે આવી સંસ્થાઓ શ્રમજીવીઓ અને ભિક્ષુકોને પણ ઘારી અને ભુસુ પીરસતા હોવાથી સુરતમાં રહેતા તમામ લોકો ચંદની પડવામાં ઘારી અને ભુસુ ખાઈને ઉજવણી કરે તેવું શક્ય બન્યું છે.