રાજકોટ અગ્નિકાંડના 15 આરોપીઓ વિરૂધ્ધ આજે કે આવતીકાલે ચાર્જશીટ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News

રાજ્યને હચમચાવનાર અને ભાજપ સરકારને ભીંસમાં મુકનાર ચાર્જશીટમાં 365 સાહેદોનાં નિવેદનો અને 15,000થી લઈ 20,000 પાનાંના દસ્તાવેજી પુરાવા

રાજકોટ, : રાજયને હચમચાવનાર, સત્તાધારી ભાજપ સરકારને ભીંસમાં મુકનાર અને 27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આગામી તા.રપ જૂલાઈના રોજ બે માસ પુરા થવા જઈ રહ્યા છે, ત્યારે  આ કેસમાં સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ માટે રચાયેલી સીટ આવતીકાલે બુધવારે અગર તો ગુરૂવારે આ કેસનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવા જઈ રહી છે. 

મોટાભાગે આવતીકાલે જ ચાર્જશીટ ફાઈલ કરી દેવાશે તેમ સીટ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.  આ કેસમાં અત્યાર સુધી કુલ 15આરોપીઓની ધરપકડ થઈ છે. જેમાં ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલા ધવલ ભરત ઠકકર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નિતીન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદિશસિંહ જાડેજા તેના ભાઈ કિરીટસિંહ, વેલ્ડીંગનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.  મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠીયા, મનપાના જ અન્ય અધિકારીઓ ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા સાથે ફાયર બ્રિગેડના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઈલેશભાઈ વાલાભાઈ ખેર, ડે. ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબા અને સ્ટેશન ઓફિસર રોહીત આસમલભાઈ  વીગોરા મળી 15 આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ ફાઈલ કરાશે. 

સીટના તપાસનીશ ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બસીયા આ ચાર્જશીટ રજૂ કરશે. સીટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસમાં 365 જેટલા સાહેદોના નિવેદનો લેવાયા છે. સજ્જડ પુરાવા સાથેનું ચાર્જશીટ રજૂ કરાશે. ચાર્જશીટમાં 15,000થી લઈ 20,000 સુધીના કેસ પેપર કમ દસ્તાવેજી પુરાવાઓ સામેલ રહેશે. 

નિયમ મુજબ દરેક આરોપીને ચાર્જશીટની કોપી આપવાની હોય છે. જે જોતાં અઢીથી લઈ ત્રણ લાખ સુધીના પેઈજ તૈયાર કરવામાં આવ્યા છે. ચાર્જશીટ ગુટકાના ચારેક થેલામાં  સમાઈ શકે તેવડું  મોટું છે.  આ માટે સીટે પરાબજારમાંથી ખાસ થેલાની પણ ખરીદી કરી છે. 

આ કેસના મહત્વના આરોપી એવા મનસુખ સાગઠીયાના રાજકીય આકાઓ કોણ હતા, કોની ભલામણથી તેણે ગેરકાયદે ટીઆરપી ગેમ ઝોનનું ડીમોલીશન કર્યું ન હતું તે સહિતના અનેક પ્રશ્નોનો બે માસની તપાસ પછી પણ ખુલાસા  થયા નથી. આજ કારણથી ભોગ બનેલા પીડીત પરિવારો પોતાને પુરતો ન્યાય નહીં મળ્યાની લાગણી  હજુ પણ અનુભવી રહ્યા છે. 

આ કેસમાં એક આરોપી પ્રકાશ જૈન આગમાં જ જીવતો ભુંઝાઈ ગયાનું સીટની તપાસમાં બહાર આવ્યું છે, જે અત્રે ઉલ્લેખનીય છે. તે જોતાં આ કેસમાં કુલ 16 આરોપીઓની સંડોવણી ખુલી છે.



Google NewsGoogle News