દ્વારકામાં આશરે 12 કરોડનું ચરસ ઝડપાયું: દરિયા કિનારે મળ્યા 21 પેકેટ, મુદ્દામાલ જપ્ત
Charas Seized From Dwarka : દ્વારકાના દરિયા કિનારાના વિસ્તારોમાં અગાઉ ચરસ મળવાના કિસ્સાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાએ પોલીસની ટીમો દ્વારા દરિયા કિનારા વિસ્તારોના સ્ટેસ્ટિક પોઈન્ટ નક્કી કરીને પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી છે. તેવામાં ગઈ કાલે (20 જુલાઈ) મીઠાપુર વિસ્તારના મોજપ ગામના દરિયા કિનારાના વિસ્તારોમાં મીઠાપુર પોલીસ સ્ટાફ અને SRDની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મોજપના દરિયા કિનારેથી ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા. દરિયા કિનારેથી બીનવારસી 23.68 કિલો ચરસ મળી આવતા પોલીસે આશરે 12 કરોડનું ચરસ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દ્વારકાના દરિયાકાંઠાના ગામોના વિસ્તારોમાંથી બિરવારસી ચરસ જપ્ત
દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચરસની તસ્કરીને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા દરિયા કિનારા સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા દ્વારકાના તાબાના વાંચ્છું અને ગોરિંજા ગામના દરિયા કિનારાના વિસ્તારોમાંથી 64 પેકેટ ચરસ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં આશરે 30 કરોડ કિંમતનું ચરસ પોલીસે જપ્ત કર્યું હતું. જ્યારે દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આશરે 57 કરોડની કિંમતનું બિનવારસી ચરસના 115 પેકેટ મળી આવ્યાં છે.
મોજપ-શિવરાજપુર ગામના દરિયાકાંઠેથી આશરે 12 કરોડનું ચરસ ઝડપાયુ
થોડા દિવસ પહેલા વરવાળા વિસ્તારના દરિયાકાંઠા પાસેથી 32 કિલો વજન ધરાવતા ચરસના 30 પેકેટ મળી આવ્યા હતા. આ પછી પોલીસે દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 16 કરોડની કિંમતનું 32 કિલો ચરસ જપ્ત કર્યુ હતું. બીજી તરફ, મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મોજપ ગામના દરિયા કિનારેથી 873 ગ્રામનું ચરસનું પેકેટ મળી આવ્યું હતું. આ ઉપરાંત, મોજપ-શિવરાજપુર ગામના દરિયા કિનારાના વિસ્તારોમાંથી ચરસના અન્ય 20 પેકેટ મળી આવ્યા હતા. જેમાં પોલીસે આશરે 11.3 કરોડની કિંમતનું 22.75 કિલો ચરસ જપ્ત કર્યું હતું.