નવરાત્રીમાં સુરતના ચણીયા ચોળીની બોલબાલા : મંદીના માહોલમાં કાપડ બજારમાંથી થશે કરોડો રૂપિયાનો વેપાર
Chaniya Choli Wholesale Market Surat : છેલ્લા ઘણા સમયથી સુરત કાપડ માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ હવે નવરાત્રી લઈને કાપડ માર્કેટમાં ચહેલ પહેલ જોવા મળી છે. માત્ર નવરાત્રીના આ એક થી બે મહિનામાં સુરત કાપડ માર્કેટમાં નવરાત્રીના કાપડ અને રેડીમેડ ચણીયા ચોળીનો 200 થી 250 કરોડનો વ્યાપાર થશે તેવું વ્યાપારીઓ જણાવી રહ્યા છે.
કાપડ માર્કેટમાં તહેવારોની સિઝન હોવા છતાં પણ મંદીનો માહોલ હતો, પરંતુ જેમ જેમ નવરાત્રીનો તહેવાર નજીક આવ્યો તેમ-તેમ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. સુરતમાં ખાસ કરીને ટેકસટાઇલ માર્કેટમાં દરેક પ્રકારના કાપડો મળે છે અને નવરાત્રીના ચણીયા ચોળી માટે અહીંથી અન્ય શહેરો અને રાજ્યોમાં કાપડ તો જાય છે, પરંતુ બીજી તરફ રેડીમેડ ચણીયા ચોળી પણ સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટમાંથી અન્ય શહેરો અને રાજ્યોમાં જાય છે. જેના કારણે હાલ માર્કેટમાં વેપારીઓને આ નવરાત્રી 200 થી 250 કરોડના બિઝનેસની આશા છે.
અંગે માર્કેટના વેપારી જગદીશભાઈ કોઠારીએ કહ્યું કે બેગમપુરામાં આવેલ પશુપતિ ટેક્સટાઇલ માર્કેટ, તિરુપતિ માર્કેટ, શંકર માર્કેટ આ તમામ માર્કેટમાં હાલ નવરાત્રીના ચણીયા ચોળી હોલસેલ અને રિટેલમાં વેચાઈ રહ્યા છે. અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે તો બીજી તરફ ઈન્ડો વેસ્ટન અને અન્ય ચણીયા ચોળી અહીંના વેપારીઓ હોલસેલમાં બનાવી રહ્યા છે અને અહીંથી રાજકોટ, બરોડા, અમદાવાદમાં તો મોકલી જ રહ્યા છે, પરંતુ હવે નવરાત્રી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ રમાવા લાગી છે, જેના કારણે અન્ય રાજ્યોમાંથી પણ ચણીયા ચોળી ના મોટા ઓર્ડરો વેપારીઓને મળી રહ્યા છે. જેને જોતા આ વખતે 200 થી 250 કરોડનો વેપાર માત્ર નવરાત્રીના આ એક બે મહિનામાં વેપારીઓ કરશે.
અન્ય એક વેપારી સુનિલભાઈ પાટીલએ કહ્યું કે હું લગ્નના લહેંગા ચોલી બનાવું છું, પરંતુ અત્યારે હું હોલસેલમાં નવરાત્રીના ચણીયા ચોળી બનાવું છું. મારા ત્યાંથી અત્યારે રાજકોટ, બરોડા, અમદાવાદમાં માલ જઈ રહ્યો છે કારણ કે સુરતમાં તૈયાર થતા ચણીયા ચોળી ઈન્ડો વેસ્ટન અને લોકોના બજેટમાં મળી રહે તેવા હોય છે. જ્યારે અમદાવાદના ચણીયા ચોળીમાં કચ્છી પેચ અને વર્ક હોય છે. જેથી તેમનું બજેટ ખૂબ જ વધી જાય હોય છે. મારે ત્યાં નવરાત્રીની એક ચણીયા ચોળી હોલસેલમાં 1500 રૂપિયામાં મળે છે, પરંતુ બહાર તે રીટેલમાં 2100 રૂપિયામાં વેચાતી હોય છે. આ વખતે જે રીતે નવરાત્રિનો માહોલ છે તે જોતાં અમને સારા બિઝનેસની આશા છે.